વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ચાલી રહી છે. જે અન્વયે, સુરેન્દ્રનગર જિલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે. નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્સાહભેર ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં સહભાગી બની રહયા છે. લખતર તાલુકાના કેશરીયા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના આગમન સમયે યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય કેમ્પમાં 20 થી વધુ વ્યક્તિઓએ ટી.બી. રોગની તપાસ કરાવી હતી.તેમજ 60 થી વધુ વ્યક્તિઓએ આરોગ્યની તપાસ કરાવી હતી. કાર્યક્રમ સ્થળ પર જ 10 થી વધુ નવા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને 5 લાભાર્થીઓને કાર્યક્રમમાં જ આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત મહાનુભાવોના વરદહસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું. ઉપરાંત ’મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ લાભાર્થીઓએ પોતાને પ્રાપ્ત થયેલ સહાય વિશે અનુભવો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકોએ પ્રાકૃતિક કૃષિ થીમ આધારિત ’ધરતી કહે પુકાર કે.’ નાટક રજૂ કર્યું હતું. ઉપરાંત સોઈલ હેલ્થ કાર્ડ નિદર્શન તેમજ ડ્રોન નિદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમના અંતે વિકસિત ભારત-2047 ના સ્વપ્નને સાકાર કરવાના હેતુસર ગ્રામજનોએ વિકસિત ભારતના શપથ ગ્રહણ કર્યા હતા.ઉલ્લેખનીય છે કે,સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકાના સુશીયા અને આલમપુરા ગામમાં, ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી અને મોટા અંકેવાળીયા ગામમાં, લીંબડી તાલુકાના સમલા અને અંકેવાળીયા ગામમાં, ચોટીલા તાલુકાના રામપરા (રાજ) અને ચિરોડા (ઠાંગા) ગામમાં, મુળી તાલુકાના સરા ગામમાં, સાયલા તાલુકાના ગંગાજળ અને કસવાળી ગામમાં, લખતર તાલુકાના ભાલાળા ગામમાં અને ચુડા તાલુકાનાં કોરડા ગામમાં રથના આગમન બાદ દરેક ગામની પ્રાથમિક શાળાઓ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો, લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ તેમજ આરોગ્ય ચેકઅપ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.