સુરેન્દ્રનગર જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે ધ્રાંગધ્રા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતાં ત્રણ વાહનો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ધ્રાંગધ્રા તાલુકામાં ભુમાફિયાઓ દ્વારા ખનીજચોરી થતી હોવાની બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ધ્રાંગધ્રા હાઈવે પર આવેલી કલ્પના ચોકડી પાસેથી ગેરકાયદેસર બ્લેકટ્રેપ ખનીજ સંપત્તિનું વહન કરતાં ડમ્પર સહિતનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. જ્યારે ભરાડા ગામની સીમમાં ચંદ્રભાગા નદીના પટમાં પણ ગેરકાયદેસર સાદી રેતીની ચોરી થતી હોવાની બાતમીના આધારે ટીમ સાથે રેઈડ કરી હતી. જેમાં સ્થળ પરથી એક એક્સકેવેટર મશીન, એક હુડકા મશીન સહિતનો મુદ્દામાલ કબજેકર્યો હતો. ત્યારે કુલ મળી અંદાજે રૂા.૨૭ લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગની રેઈડથી ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.