ડીસામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે અને એક પછી એક કુદરતી આફતથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. કમોસમી માવઠા બાદ હવે ડીસા પંથકમાં કાતરા નામની જીવાત પડતા ખેતી પાકને તો નુકસાન થયું છે. સાથે સાથે ત્રણ પશુઓના મોત થતાં ખેડૂતો અને પશુપાલકો ભયભીત બની ગયા છે.
ડીસા પંથકમાં ખેડૂતો પર જાણે કે કુદરતે કહેર વરસાવ્યો હોય તેવી સ્થિતિ બની છે. પહેલા કમોસમી માવઠા બાદ હવે પાકમાં કાતરા નામની જીવાતનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. ડીસા પંથકમાં ખેડૂતોએ આ વર્ષે બટાટાની સાથે સાથે એરંડા, રાયડો, રાજગરો સહિતના પાકનું વાવેતર કર્યું છે. સારું ઉત્પાદન અને નફાની આશાએ ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી દિવસ રાત મજૂરી કરી પાક તૈયાર કર્યો છે.
પરંતુ પંદર દિવસ અગાઉ કરા સાથે પડેલા કમોસમી માવઠાએ ખેડૂતોની આ આશા પર પાણી ફેરવી દીધું હતું એ વખતે ખેડૂતોને 30થી 40% જેટલું નુકસાન થયું હતું. ત્યાર બાદ હવે માવઠાના કારણે સદરપુર, લુણપુર સહિતના આજુબાજુના ગામના ખેતરોમાં કાતરા નામની જીવાત પડી ગઈ છે. આ જીવાત ખેતરોમાં ઊભા છોડના પત્તા અને ફાલ ખાઈ જાય છે. ખેડૂતો દવા લાવીને છાંટે ત્યાં સુધીમાં તો આ જીવાતે ખેતરોમાં તૈયાર થયેલા પાકનો સફાયો કરી દીધો છે.
આ અંગે અસરગ્રસ્ત ખેડૂત પ્રવિણભાઇ પરમાર, સવિતાબેન પરમારે જણાવ્યું હતું કે, કાતરા જીવાતથી પશુપાલકોને પણ નુકસાન થઈ રહ્યું છે. જીવાત વાળો ઘાસચારો ખાઈ જતા ગામમા એક ભેંસ અને બે ગાયો સહિત ત્રણ પશુઓના મોત થયા છે. વારંવાર ખેતીપાકને નુકસાન થયા બાદ હવે ખેડૂતો પશુપાલન થકી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ હવે પશુઓના મોત થતા પશુપાલકની હાલત કફોડી બની છે. ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો અને પશુપાલકો સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે. બનાસકાંઠામાં ખેડૂતોની પડતા પર પાટુ જેવી સ્થિતિ છે. વારંવાર કમોસમી માવઠાથી નુકસાન થયા બાદ હવે કાતરા નામની જીવાતે અહીંના ખેડૂતોને નુકસાનીમાં મુકી દીધા છે.