ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મતદાર યાદીમાં વાંધા રજુ કરવા માટેનો ડીસા નાયબ કલેકટર અને ચૂંટણી અધિકારીએ આગામી 22 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે.
ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય વિવાદો ચાલી રહ્યા છે. અગાઉ ચેરમેન સામે ફરિયાદ દાખલ થયા બાદ સમિતિની રચના કરવામાં આવી હતી. વહીવટી સમિતિમાં પણ વિવાદો થતા આખરે સરકારે અત્યારે વહીવટદારની નિમણૂક કરી હતી. વહીવટદારની નિમણૂક બાદ મતદાર યાદીમાં સુધારો કરી ચૂંટણી યોજવા કેટલાક રાજકીય નેતાઓ ભાજપ નેતાઓ સમક્ષ રજૂઆત કરતા વહીવટદારની નિમણૂંક કરાઇ હતી.
જોકે, વહીવટદારની નિમણૂંક બાદ હવે ચૂંટણી યોજવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં ચૂંટણી અધિકારી અને ડીસા નાયબ કલેક્ટર દ્વારા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં મતદાર વિભાગોની હદ જોન નક્કી કર્યા બાદ કોઈને વાંધો હોય તો આગામી 22 ડિસેમ્બર પહેલા રજૂ કરવા જણાવ્યું છે. ત્યારબાદ લેખિતમાં વાંધો રજુ કરનાર અરજદારે 2 જાન્યુઆરીએ આધાર પૂરાવા સાથે નાયબ કલેક્ટર કચેરીએ હાજર રહેવા માટે ડીસા નાયબ કલેક્ટર અને ચુંટણી અધિકારી એન એચ પંચાલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે શિયાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે ડીસા તાલુકામાં કડકડતી ઠંડીમાં હવે જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ફરી ભર શિયાળે સહકારી માળખામાં રાજકીય ગરમાવો આવી ગયો છે.