પાટણ તાલુકાના કુણઘેર ગામની એક પરિણીત યુવતીના નામનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતીના નામથી બીભત્સ મેસેજ તથા ગાળો લખી ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી મહિલાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનારી પાટણની યુવતીનો પત્તો પાટણ પોલીસની સાયબર સેલ પોલીસે મેળવીને તેની સામે આઈપીસી 292/489 તથા આઈ.ટી. એક્ટ મુજબનો ગુનો નોંધ્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ પાટણ તાલુકાના કુણઘેર ગામે રહેતી પરિણીત મહિલાના નામની ઈસ્ટાગ્રામ આઈ.ડી કોઇએ બનાવેલ હોવાનું તેમને તેમના કાકાના દિકરાએ જણાવ્યું હતું. જેથી મહિલાએ આ ઇસ્ટાગ્રામ આઈ.ડી કોણે બનાવેલ છે તે જાણવા માટે પોતાના મોબાઈલમાં ઇસ્ટાગ્રામ આઈ.ડી ઈસ્ટોલ કરી મેસેજ કરી જાણવાની કોશીશ કરી હતી અને તેમના નામની ખોટી આઈ.ડી કેમ બનાવેલ છે. તેમ પુછતાં તેણે પોતાનું અને પોતાના પતિનું નામ જણાવેલ જે કુણઘેરની યુવતી અને તેના પતિના નામ સાથે મળતા હતા. જેથી તેણે આ મહિલાને તેમના પતિ તથા તેમના દિકરાના ફોટાઓ મોકલ્યા હતા. તેમજ બિભત્સ મેસેજ તથા ગાળો લખી મુકી ઈસ્ટાગ્રામમાં વાયરલ કરેલી જોવા મળી હતી.

આ બાબતે તપાસ કરવા માટે આ મહિલાએ પાટણ સાયબર ક્રાઇમ કચેરીએ તા.22/ 01/2023ના રોજ લેખિત અરજી આપી હતી. જેથી તેની માહિતી આવતાં તેમને જાણવા મળેલ કે, આ તેમના નામનું ફેક ઈસ્ટા ગ્રામ આઈ.ડી બનાવનાર મોબાઈલનો ઉપયોગ કરી પાટણની એક યુવતી ભાર્ગવી ઉર્ફે ખુશીના નામે છે. જેણે આ મહિલાના નામના જુદા-જુદા નામથી ફેક આઈ.ડી બનાવી તેમના દિકરા તથા તેમના પતિના ફોટાઓ મુકી તેમજ બિભત્સ મેસેજ તથા ગાળો લખી મુકી સોશિયલ મીડિયામાં તેમની બદનામી થાય તે રીતે લખાણ લખી ઈસ્ટાગ્રામ આઈ. ડીમાં મુકી તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી હોઈ તેના વિરૂધ્ધ પાટણ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસ ઈન્સપેક્ટર જી.એમ.ચૌધરીએ તપાસ હાથ ધરી હતી.