વીમા પોલિસી લેતી વખતે વીમા કંપનીઓ સારી સારી વાતો કરે છે, પરંતુ જ્યારે વીમા ક્લેમ ચૂકવવાનો વારો આવે ત્યારે અવનવા બહાના બતાવી ગ્રાહકનો વીમા ક્લેમ નામંજૂર કરે છે. ત્યારે વીમા કંપનીના આવા જ એક બહાનાના શિકાર બનેલા ડીસાના ગ્રાહકને શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રયાસોથી ન્યાય મળ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, ડીસાના શ્યામ બંગ્લોઝમાં રહેતા શંકરભાઈ બજરંગભાઇ ઠાકોર આજથી બે વર્ષ અગાઉ પોતાની કારમાં તેમના મિત્રના પુત્ર ઝીલ ઠક્કર અને કુણાલને લઈને ડીસાથી પાલનપુર જતા હતા. તે દરમિયાન ચંડીસર નજીક રોડ ઉપર અચાનક કૂતરો આવતા ગાડીનો અકસ્માત સર્જાયો હતો. શંકરભાઈએ લિબર્ટી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીનો વીમો લીધેલો હોવાથી અકસ્માત બાદ ગાડીમાં થનાર ખર્ચ રૂપિયા 7,50,000નો વીમા ક્લેમ મુકેલો. વીમા કંપનીએ વીમા ક્લેમ ચૂકવવાની જગ્યા અકસ્માત સમયે ગાડી ફરિયાદી ગ્રાહક ન ચલાવતા હોવાનું અને ગાડી ઝીલ ઠક્કર ચલાવતા હોવાનું એટલે કે, ડ્રાઇવર ઇનપ્લાંટ કરેલો હોવાનું જણાવી વીમા ક્લેમ નામંજૂર કર્યો હતો.
વીમા ક્લેમ નામંજૂર થતાં ગ્રાહકે વીમા કંપનીનો સંપર્ક કરી કારણ જાણવા પ્રયાસ કરતા વીમા કંપનીએ ગ્રાહકને કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપેલ નહીં. જેથી વીમા કંપનીના ધક્કા ખાઈને કંટાળેલા ગ્રાહકે ગુજરાતની જાણીતી ગ્રાહક હિત હક્ક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોર દવે દ્વારા ગ્રાહક અદાલતમાં ફરિયાદ આપી હતી.
જે ફરિયાદ ચાલી જતા વીમા કંપનીએ પોતાના બચાવ માટે google ટાઇમ લાઇનને આધાર બતાવીને જણાવેલું કે, અકસ્માત સમયે માત્ર જીલ ઠક્કરનું જ લોકેશન અકસ્માતે સ્થળે બતાડે છે જેથી તેમણે ડ્રાઈવિંગ કરેલું હોવાની સંભાવના છે. જેની સામે ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્માએ ધારદાર દલીલો રજૂ કરતાં બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતના પ્રમુખ એન. પી. ચૌધરી, સભ્ય એમ.એ. સૈયદ અને બ્રિજેશ રાવલે પ્રિતેશ શર્માની દલીલો સ્વીકારી ગ્રાહક તરફી ચુકાદો આપી વીમા કંપનીને ગાડીમાં રીપેરીંગ માટે થયેલ ખર્ચ રૂપિયા 6,00,000/- 9% વ્યાજ સાથે તેમજ ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસના નાણાં રૂપિયા 5000 મળી કુલ રુપિયા 6,77,000/- ફરિયાદી ગ્રાહકને બારોબાર એકાઉન્ટ પે ચેકથી ચૂકવી આપવા હુકમ ફરમાવ્યો છે. ગ્રાહક અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કરેલો છે કે google ટાઈમ લાઈન એ વીમા ક્લેમ નામંજૂર કરવાનું કોઈ સ્પષ્ટ કારણ નથી. આ ચુકાદાથી ખોટી રીતે વીમા ક્લેમ નામંજૂર કરતી વીમા કંપનીઓને સબક મળશે.