કડી તાલુકાના નંદાસણના ઉમાનગર પાસે પૂરઝડપે જતી આઇસરે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક યુવાનને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.જયારે તેની પાછળ બાઈકમાં બેઠેલ યુવાનને શરીરના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયો હતો.
પાલનપુરના વગદા ગામનો રહેવાસી જીતેન્દ્રભાઈ રસિકભાઈ નાથ બાઈક લઈને કલોલથી પોતાના ઘરે વગદા તેના સંબંધી નવઘણભાઈ સાથે જતો હતો. ત્યારે શનિવારના બપોરે નંદાસણના ઉમાનગર હાઈવે પાસે પહોંચ્યો હતો.તે દરમિયાન હાઇવે પર જતી આઇસર ગાડીના ચાલકે પુર ઝડપે આવી બાઇકને ટક્કર મારતા બાઈક ચાલક જીતેન્દ્રભાઈ નીચે પટકાતા આઇસર ગાડીના પાછળના ભાગના ટાયરે આવી જતા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું.
જ્યારે બાઈક પાછળ બેઠેલા નવઘણભાઈને શરીરના ભાગે ઇજાઓ પહોંચતા નંદાસણ 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે નંદાસણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે મુતકના બનેવી મુકેશભાઈએ આઇસર ગાડીના ચાલક વિરુધ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.