ડીસામાં ખેડૂતોના પાક રક્ષણ માટે સરકારે તાર ફેન્સીંગ સહાય માટે શરૂ કરેલા પોર્ટલ ગણતરીની મિનિટમાં જ બંધ થઈ જતા હજારો ખેડૂતો અરજી કર્યા વગર રહી ગયા છે. ત્યારે સરકારે અગાઉ ડ્રો સિસ્ટમ મુજબ જ જરૂરિયાતમંદ ખેડૂતોને સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

રાજ્યના ખેડૂતોને કૃષિ ઉત્પાદન વધારવા અને પાક રક્ષણ હેતુથી ખેતરની ફરતે તાર ફેન્સીંગ કરવા માટેના હેતુથી સને 2023-24 થી રાજ્યના ખેડૂતોને તાર ફેન્સીંગ ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના શરૂ કરી છે. જેના માટે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતો આ યોજનાનો લાભ આપવા માટે ikhedut portal અરજી કરવાની હતી, પરંતુ આ પોર્ટલ શરૂ થયા બાદ 10 મિનિટમાંજ બંધ થઈ થતા ખેડૂતો નારાજ થયા છે.

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લો એ ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો બીજા નંબરનો જિલ્લો છે અને અહીં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેથી સૌથી વધુ ખેડૂતોની જરૂરિયાત પણ બનાસકાંઠા જિલ્લામાં રહે છે. ત્યારે સરકારે આ વખતે વહેલા તે પહેલાના ધોરણે સહાય આપવા માટે આઈ પોર્ટલ શરૂ કરતા 10 મિનિટમાં જ લક્ષ્યાંક કરતા વધારે ખેડૂતોએ અરજી કરી દીધી હતી. ત્યાર બાદ પોર્ટલ બંધ થઈ ગયું હતું.

વળી મોટાભાગના ખેડૂતો પણ શિક્ષક ન હોવાથી ફોર્મ ભરવા માટે બીજા પર નિર્ભર રહેવું પડે છે. તેના કારણે કેટલાય જરૂર ખેડૂતો ટાઈમ લીમિટમાં અરજી કરી શક્યા નથી. ત્યારે સરકારે અગાઉ જે ડ્રો સિસ્ટમથી સહાય આપતા હતા તે રીતે જ સહાય આપવી જોઈએ તેવી ખેડૂતો માંગ સાથે ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી હતી.

આ બાબતે ડીસાના ખેડૂત અગ્રણી ચોથાજી માળી અને અશોકભાઇ માળીએ જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતો માટે શરૂ કરેલી આ યોજના માટે ઓનલાઇન પોર્ટલ પર ફોર્મ ભરવા બેઠા કે તરત જ વેબસાઈટ બંધ થઈ ગઈ. હવે આ જિલ્લામાં તો મોટાભાગના ખેડૂતો મોબાઈલ પર ફોર્મ કેવી રીતના ભરવી તે ટેકનોલોજી જાણતા નથી. જેના કારણે જરૂરિયાતવાળા ખેડૂતો રહી જાય છે. તે માટે સરકારે પહેલાની જેમ ડ્રો સિસ્ટમથી જ ખેડૂતોને સહાય આપવી જોઈએ.

આ મામલે જીલ્લા ખેતીવાડી અધિકારી મહેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સરકારે આ વખતે ડ્રો સિસ્ટમ બંધ કરી વહેલા તે પહેલાના ધોરણે સહાય આપવાનું નક્કી કર્યું છે. જે મુજબ તાર ફેંસિંગ સહાય માટે ઓનલાઇન અરજી કરવાની હતી, પરંતુ સરકારે જેટલી સહાય આપવાની હતી તેના કરતાં 10% વધુ અરજી આવી જતા આ પોર્ટલ ઓટોમેટીક બંધ થઈ ગયું હતું. આ તમામ પ્રક્રિયા સરકારમાંથી થાય છે. જેથી હવે સરકાર જે નિયમ પ્રમાણે સહાય આપવાનો નિર્ણય લેશે તે મુજબ સહાય આપવામાં આવશે.