ડીસામાં ફરી એકવાર નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીના કારણે ગાયત્રી મંદીર પાસે મોડી રાત્રે ખુલ્લી ગટરમાં ગાય પડી ગઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે જીવદયાપ્રેમીઓ દ્વારા પ્રાઈવેટ જીસીબી મશીનની મદદથી ગાયને બહાર નીકાળી જીવ બચાવ્યો હતો.
છેલ્લા કેટલાંક સમયથી નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધિશોની બેદરકારી અબોલ પશુઓનો જીવ જોખમમાં મૂકાય છે. નેશનલ હાઇવે પર પડેલા ઠેર-ઠેર ખાડાઓ અને ઠેર-ઠેર ખુલ્લી ગટરોને લઈને અનેકવાર અકસ્માતની ઘટનાઓ પણ બને છે. ત્યારે ડીસામાં ફરી એકવાર ગાયત્રી મંદિર પાસે ખુલ્લી ગટરમાં ગાય પડી ગઈ હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો અને જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી.
ગાય બહાર ન નીકળી શકતા જીવદયાપ્રેમીઓ દ્વારા પ્રાઈવેટ જેસીબી મશીન લાવી એક કલાકની ભારે જહેમત બાદ ગાયને બહાર કાઢવામાં આવી હતી. ગટરમાં પડતા ગાયને લોખંડની ખીલાસળી વાગતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે જલિયાણ ગૌશાળાની એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગાયને સારવાર આપી છોડી મૂકી હતી. ઘટનાને લઈને જીવદયાપ્રેમીઓએ મદદ માટે સંપર્ક કર્યો હતો, પરંતુ કોઇ જ મદદ ન મળતા ભારે રોષે ભરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાયત્રી મંદિર વિસ્તારમાં સતત લોકોની ભીડ રહે છે અને રોજના હજારો લોકોની અવરજવર રહે છે. ત્યારે આ ખુલ્લી ગટરથી ભવિષ્યમાં કોઈ મોટી દુઘટર્ના સર્જાય તે પહેલા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક અસરથી ગટર પર ઢાંકણું ઢાંકવામાં આવે તેવી જીવદયાપ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.