ડીસા તાલુકાના માલગઢ ગામમાં આવેલ ખેતરમાં ઘાસના પૂળાના ઢગલામાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો અને ડીસા નગરપાલિકાની ફાયર-ફાઇટરની ટીમ બનાવ સ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી.
ડીસા તાલુકાના માલગઢ ગામમાં આવેલ જોધપુરીયા ઢાંણી ખાતે નદીના પટ નજીક રહેતાં જયરામભાઇ ભગવાનજી સોલંકી (માળી) ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ તેમના પરિવાર સાથે રણુજા પગપાળા સંઘમાં ગયા હતા. તે દરમિયાન તેમના ખેતરમાં રહેલા ઘાસના પૂળાના ઢગલામાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી અને આગ લાગતાં ધૂમાડાના ગોટેગોટા દેખાતાં આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. આ બનાવની જાણ કરતાં ડીસા નગરપાલિકા ફાયર-ફાઇટરની ટીમના ધનરાજભાઇ સોમાજી પરમાર (માળી) અને તેમની ટીમ પણ તાત્કાલીક બનાવ સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા.
આગ પર તુરંત કાબૂ મેળવવા માટે આજુબાજુના લોકોએ યુ.જી.વી.સી.એલ.ને પણ જાણ કરી હતી. જેથી માલગઢ ફીડરમાં આવેલ યુ.જી.વી.સી.એલ.ની ટીમે અડધો કલાક માટે થ્રી ફેઝ વીજળી શરૂ કરતાં લોકોએ પાણીનો બોર ચાલુ કરી તે પાણીથી પણ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ આગ બૂઝાય ત્યાં સુધીમાં તો અંદાજીત 3,000 વધુ જેટલાં ઘાસના પૂળા બળીને ખાખ થઇ ગયા હતા. જેથી ખેતર માલિકને અંદાજીત રૂ.1,00,000 થી વધુનું નુકશાન થવા પામ્યું હતું. જ્યારે બાજુમાં ઉભેલ પશુઓનો આબાદ બચાવ થયો હતો.