બાળા ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં તમામ ગ્રામજનોને આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવી લેવાનો અનુરોધ કરતા નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, દેશના દરેક વર્ગને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્યમાન ભારત યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત દેશના 50 કરોડ જેટલા ગરીબ લોકોના સ્વાસ્થ્યને આવરી લેવામાં આવ્યું છે. આ કાર્ડ થકી મોટી બીમારીઓ, ગંભીર ઓપરેશનોમાં હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકાશે. વધુમાં દંડકશ્રીએ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને બાળા ગામમાં પાત્રતા ધરાવતો એક પણ નાગરિક આયુષ્યમાન ભારત કાર્ડથી વંચિત ન રહે તે સુનિશ્વીત કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે વાત કરતા ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ શરૂ થયેલીઆ યાત્રાનો હેતું ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચાડી પાત્રતા ધરાવતો એક પણ લાભાર્થી યોજનાકીય લાભોથી વંચિત ન રહે તે છે. આમ સરકારશ્રીની અનેકવિધ જન કલ્યાણકારી યોજનાઓ થકી ગરીબ અને છેવાડાના માનવીઓના જીવન ધોરણમાં પરિવર્તન આવ્યું છે. સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર મળે તેની ચિંતા કરી પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે. આ યોજનાથી લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. પ્રધાનમંત્રીશ્રીએ દેશની માતાઓ અને બહેનોની ચિંતા કરી શરૂ કરેલી પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજનાએ માતા-બહેનોને ધુમાડામાંથી મુક્તિ અપાવી છે. કોરોનાકાળ જેવા કપરા સમયમાં પણ પ્રધાનમંત્રીશ્રીએ દેશનો એક પણ નાગરિક ભૂખ્યો ન સુવે તેની ચિંતા કરી મફત અનાજ વિતરણ કર્યું હતું. આમ નાગરિકો માટે શ્રેષ્ઠ આરોગ્ય વ્યવસ્થા, ગુણવત્તા યુક્ત શિક્ષણ,કિસાન હિતલક્ષી કાર્યો, વીજળી, પાણી, ઉદ્યોગ જેવી તમામ આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ છે.બાળા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યાત્રાનું સ્વાગત, પ્રધાનમંત્રીશ્રીનો રેકોર્ડ કરેલ સંદેશ, વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા વિડિયો, મેરી કહાની મેરી જુબાની, સાંસ્કૃતિક કાર્યક્રમ, ’ધરતી કહે પુકાર કે’, સ્વચ્છતા ગીત જેવા ગીતોના ગાયન, ગ્રામ પંચાયતની સિદ્ધિઓ લેન્ડ રેકોર્ડનું 100% ડિઝીટાઇઝેશન, સોઈલ હેલ્થ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, માતૃ શક્તિ યોજના, બાલ શક્તિ યોજના અંતર્ગત મહાનુભાવના વરદ હસ્તે લાભોનો વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેનશ્રી એમ.એમ.રાણા, તાલુકા પંચાયત સદસ્યશ્રી ઘનશ્યામભાઈ, સરપંચશ્રી ભરતભાઈ, નગરપાલિકા ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેનશ્રી નીરવ દવે, અગ્રણી સર્વશ્રી લક્ષ્મણભાઈ, રાકેશભાઈ, સિદ્ધરાજસિંહ ઝાલા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.