ડીસામાં ઇકો ગાડી પાછળ ગાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં સદનસીબે ઇકો ગાડીમાં બેઠેલા 15 જેટલા વિદ્યાર્થીઓનો અદભુત બચાવ થયો હતો. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે વિદ્યાર્થીઓ ભરીને એક ઈકો ગાડી એરપોર્ટ ચાર રસ્તાથી સાઈબાબા મંદિર તરફ જઈ રહી હતી. ત્યારે ભણસાલી હોસ્પિટલ પાસે આગળ આવેલા જંપ પર અચાનક ઈકો ગાડીના ચાલકે બ્રેક મારે ગાડી ધીમી પડી હતી. તે સમયે પાછળથી આવી રહેલી ગાડી ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

સદનસીબે જાનહાની ટળી હતી અને ઈકો ગાડીમાં બેઠેલા 15 જેટલા વિદ્યાર્થીઓનો પણ અદભુત બચાવ થયો હતો. બનાવને પગલે ડીસા શહેર પોલીસ અકસ્માત સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ખુલ્લો કરાવી અકસ્માતગ્રસ્ત ગાડીઓને સાઈડમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.