બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમે રાજસ્થાનથી ગુજરાતમાં ગાડીઓમાં ગુપ્તખાના બનાવી દારૂની હેરાફેરીને પકડી પાડી છે. જેમાં પોલીસે બે અલગ અલગ જગ્યાએથી બે કાર સહિત 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની હેરાફેરી માટે હવે બુટલેગરો અવનવી તકકીબ અજમાવી રહ્યા છે અને બનાસકાંઠામાં દારૂ ઘૂસાડવા પ્રયાસો કરે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમ બૂટલેગરોના મનસુબાને નિષ્ફળ બનાવે છે. જેમાં જિલ્લા એલસીબીની ટીમ ડીસા પંથકમાં પેટ્રોલિંગમાં હતી.

 તે સમયે ખાનગી રીતે માહિતી મળતા જ કંસારી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ધાનેરા તરફથી આવી રહેલી એક શંકાસ્પદ ડસ્ટર કારને થોભાવી તલાસી લેતા તે ગાડીમાં ગુપ્તખાનુ બનાવી તેમાં દારૂનો જથ્થો સંતાડેલો હતો. જેથી પોલીસે ગાડી અને દારૂ સહિત 2.96 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે કારચાલક ઈદ્રીશશા ફકીરની અટકાયત કરી હતી.

આ સિવાય દાંતીવાડા પાસેથી પણ દારૂ ભરેલી કારને ઝડપી લીધી હતી. જેમાં દારૂ ભરેલી કાર સહિત 3.7 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે કારચાલક મહેન્દ્રસિંહ વાઘેલાની અટકાયત કરી હતી. એલસીબીની ટીમે આ બંને આરોપીઓ સહિત કાર અને દારૂનો જથ્થો ડીસા તાલુકા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.