પાવીજેતપુર ભારજ નદીના પુલ પાસેનું જનતા ડાયવર્ઝન પુનઃ ચાલુ કરવાની જનતાની માંગ
પાવીજેતપુર ભારજ નદીના પુલ પાસે બનાવેલ જનતા ડાયવર્ઝન માવઠું થવાના કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું, જે પુનઃ ચાલુ કરવા માટે છોટાઉદેપુર જિલ્લાની જનતાની બુલંદ માંગ ઉઠી છે.
પાવીજેતપુર નજીક ભારજ નદી નો પુલ ચોમાસા દરમિયાન વધુ વરસાદના કારણે બેસી જતા રસ્તો બંધ થઈ ગયો હતો. જે તે સમયે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રસ લઇ ૫૨ જેટલા ભૂંગળાઓ દાન કરી લોકોની સુખાકારી માટે જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. જેના કારણે સમગ્ર છોટા ઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતાએ રાહતનો દમ લીધો હતો. સાથે સાથે પુલ ઉપરથી તંત્ર દ્વારા લાઈટ વેટ વહીકલો પસાર કરવાની પરમિશન આપતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની જનતાએ હાશકારો અનુભવ્યો હતો.
નવેમ્બર માસના છેલ્લા દિવસોમાં એકાએક વાતાવરણમાં પલટો આવી માવઠું તથા આ જનતા ડાયવર્ઝન ઉપર કેટલીક જગ્યાએ માટીનું ધોવાણ થતાં તંત્ર દ્વારા તાત્કાલિક નિર્ણય લઈ મોટું નુકસાન ન થાય તે હેતુસર રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે જ આ રસ્તો બંધ થવાના કારણે લોકોને ૩૦ કિલોમીટર નો ફેરો વધી ગયો છે. તાજેતરમાં આ જનતા ડાયવર્ઝન ઉપર જે નુકસાન થયું હતું ત્યાં માટી કામ કરી પુનઃ ચાલુ થઈ શકે તેવું આયોજન જનતા દ્વારા કરી દેવામાં આવ્યું છે. પરંતુ તંત્ર દ્વારા આ જનતા ડાયવર્ઝન નો ઉપયોગ કરવાની લીલી ઝંડી આપવામાં આવતી નથી જેથી તૈયાર થઈ ગયેલ જનતા ડાયવર્ઝન હોવા છતાં છોટાઉદેપુર જિલ્લાની જનતાને ૩૦ કિલોમીટર જેટલો ફેરો ફરવાનો વારો આવે છે.
જુલાઈ માસના છેલ્લા દિવસોમાં વધુ વરસાદ પડવાના કારણે ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ભારજ પુલ બેસી જતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. ભારજ પુલને બેસી ગયા ને પણ ચાર મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. ઓલ વેધર ડાયવર્ઝન બનાવવા માટે ઓનલાઈન ટેન્ડરિંગ પણ ક્યારનું કરી દેવામાં આવ્યું છે પરંતુ શું ઉપરથી મંજૂરી મળી છે ખરી ? આવા વેધક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે. અધિકારીઓને પૂછીએ છે તો જાણવા મળે છે કે ચાર માસ જેટલા સમયમાં ઓલવેધર ડાયવર્ઝન બની જશે. તો ત્યાં સુધી છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતાને ૩૦ કિલોમીટર નો ફેરો ફરવો જ પડશે ? આ જનતા ડાયવર્ઝનને હાલ જે માટી કામ થઈ ગયું છે તે વરસાદ પડે તો જ ધોવાઈ શકે તેમ દેખાઈ રહ્યું છે. ફક્ત રસ્તા ઉપર ધૂળ ઉડવાનો પ્રશ્ન છે જે તંત્ર દ્વારા દિવસમાં બે ત્રણ વાર પાણી છંટાવવામાં આવે તો એ પ્રશ્ન પણ હલ થઈ શકે તેમ છે.
આ જનતા ડાયવર્ઝન સમગ્ર છોટા ઉદેપુર જિલ્લાની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થતું હતું. નાના-મોટા ભારદારી દરેક વાહનો અહીંયાથી પસાર થતા હતા. જનતા ડાયવર્ઝન ઉપર ટ્રાફિક ન થાય તે માટે બે રસ્તા બનાવી દેવામાં આવ્યા હતા. જો જનતા આટલું કરી શકતી હોય તો છોટાઉદેપુર જિલ્લાની ધરા જેઓના હાથમાં છે તેઓ ફરીથી આ જનતા ડાયવર્ઝન શરૂ ન કરી શકે ? ખરેખર કલેકટરશ્રીએ જનતાની સુખાકારી માટે આ જનતા ડાયવર્ઝન અંગે રસ લઈ પોતાની સત્તાની રૂએ આ જનતા ડાયવર્ઝન ઉપર ગ્રેવલ પાથરી, અને એની ઉપર કોરીડસ્ટ નાખી કાચો રસ્તો બનાવી દેવામાં આવે તો જિલ્લાની જનતા માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. જો સામાન્ય જનતા જ આ જનતા ડાયવર્ઝન ઉપર માટી કામ કરી રસ્તો ચાલુ કરી શકતી હોય તો જિલ્લા તંત્રએ રસ લઈ તાત્કાલિક પુનઃ જનતા ડાયવર્ઝન ચાલુ થાય તેવું આયોજન કરે તેવી જનતાની બુલંદ માંગ ઉઠી છે.
આમ, પાવીજેતપુર નજીક આવેલ ભારજ પુલ પાસે બનાવેલ જનતા ડાયવર્ઝન માવઠું થવાના કારણે બંધ કરવામાં આવ્યું હતું જેનું રીપેરીંગ કામ થઈ જવા પામ્યું છે ત્યારે જરૂરી વધુ સમારકામ કરી તંત્ર દ્વારા પુનઃ ચાલુ કરવામાં આવે તેવી જનતાની બુલંદ માંગ ઉઠી છે.