ડીસા સહિત બનાસકાંઠામાં આજે ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કક્ષાની મહાનિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ડો.આંબેડકરની પુણ્યતિથિએ મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ડો.ભીમરાવ આંબેડકરે ગરીબ અને દલિત લોકોની સ્થિતિ સુધારવામાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે ભારતના સમાજમાંથી અસ્પૃશ્યતા સહિતની અનેક ખોટી પ્રથાઓને ખતમ કરવામાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું.
બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માને છે કે તેમના બુદ્ધ ગુરુ પણ ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા ગુણવાન હતા. બૌદ્ધ અનુયાયીઓ અનુસાર, ડૉ. આંબેડકરે પણ તેમના કાર્યો દ્વારા નિર્વાણ પ્રાપ્ત કરવામાં આવ્યું છે. તેથી જ તેમની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ડીસામાં પણ વિવિધ દલિત સંગઠનો તેમજ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જિલ્લા કક્ષાની મહાનિર્વાણ દિનની ઉજવણી ખાતે એરપોર્ટ ચાર રસ્તા પર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી આદરાંજલી અર્પવામાં આવી હતી. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, નગરપાલિકા પ્રમુખ સંગીતા દવે, માર્કેટયાર્ડ ચેરમેન ગોવાભાઈ દેસાઈ, ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અગ્રણી અશ્વિન સકસેના, શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડીયા, તાલુકા ભાજપ પ્રમુખ બાદરસિંહ વાઘેલા, વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત અગ્રણીઓએ ઉપસ્થિત રહી બાબાસાહેબને આદરાંજલિ પાઠવી હતી.