ડીસામાં બે દિવસ અગાઉ બે બાળકોના અપહરણની ફરિયાદ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને બાળકોને શોધી કાઢ્યા હતા. બંને બાળકો હેમખેમ ઘરે પરત આવતા જ પરિવારે હાશકારો અનુભવ્યો હતો.
રાજસ્થાનના સાંચોર તાલુકાના વતની અને ડીસામાં રહેતા ફરિયાદી કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ અગાઉ અચાનક તેમના બે બાળકો ગુમ થઈ ગયા હતા. જેથી તેમણે આજુબાજુમાં શોધખોળ કરી હોવા છતાં પણ તેમના બાળકો ન મળતા કોઇ અજાણ્યો શખ્સ તેમના બાળકોનું અપહરણ કરી ગયો હોવાની શંકા જતા તેમણે તરત જ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે અપહરણની ફરિયાદ કરી હતી. પોલીસે પણ બાળકોના અપહરણની ફરિયાદ નોંધતા જ તપાસ શરૂ કરી હતી.
બે બાળકોનું અપહરણ થયું હોવાની માહિતી મળતા જ ડીસા શહેર દક્ષિણ પોલીસ તરત જ સતર્ક બની હતી અને અલગ અલગ ટીમો બનાવી બાળકોની શોધખોળ શરૂ કરી હતી. દિવસ-રાત હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી તપાસ કરી પોલીસે ગણતરીના કલાકમાં બંને બાળકોને પાટણના સમી તાલુકાના રુપપુરા ગામેથી શોધી કાઢ્યા હતા. બંને બાળકોને લાવી તેમના પરિવારને સોંપતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.