લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એલસીબી ટીમે પેટ્રોલિંગ કામગીરી હાથ ધરી હતી ત્યારે લક્ષ્મીસર ગામનો મહેમૂદ ઉર્ફે મુન્નો સલીમભાઈ મીણાપરા જાંબુ ગામની સીમમાં કેનાલના કાંઠે આવેલા ખેતરમાં બહારગામથી જુગારીઓને બોલાવી મોટી નાળ ખેંચી જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી મળી હતી.એલસીબી પીઆઈ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે બાતમીના સ્થળે દરોડો પાડી વઢવાણના મનસુખ ભગવાનભાઈ પરમાર, લીંબડીના અબ્દુલ સિરાજભાઈ સોલંકી અને ખજેલીના વિજય રણછોડભાઈ બારૈયાને જુગાર રમતા ઝડપી લીધા હતા. પરંતુ તકનો લાભ લઈને ઉંટડીનો જગદીશ હેમુ કટોડીયા, લીંબડીનો ઈકબાલ ઉર્ફે લાલો મેહમુદ, શિયાણીનો જગદીશ શંકર બોરાણા, સાંકળીનો રાજેન્દ્ર જગુભાઈ ખાચર અને મેહમુદ ઉર્ફે મુન્નો મીણાપરા નાસી છૂટ્યા હતા. પકડાયેલા શખસો પાસેથી મોબાઈલ, રોકડ મળીને 33,470 રૂ.નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ દિવ્ય ભાસ્કરે લીંબડી-ચુડા-વઢવાણ તાલુકાની સીમમાં જુગારના અડ્ડા શરૂ થયાના સમાચાર પ્રકાશિત કર્યા હતા.