સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના પાંદરી ગામેથી ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોદન કરતા ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ઉજ્જવલા યોજના જેવી અનેકવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચાડી શકાય તેવા ઉમદા હેતુસર સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આ યાત્રાનો આજે પાંદરી ગામથી પ્રારંભ કરવામાં આવ્યો છે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમ થકી જિલ્લાના વિવિધ ગામોમાં સરકારી યોજનાઓના લાભો વિશેની માહિતી પહોંચાડવામાં આવશે.’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાને પાંચ આધુનિક પ્રકારના રથોની ફાળવણી કરવામાં આવી છે. જે રથો પૈકી રથ નંબર -1 દસાડા તેમજ સાયલા તાલુકામાં, રથ નંબર -2 ધ્રાંગધ્રા તેમજ મુળી તાલુકામાં, રથ નંબર -3 વઢવાણ, લખતર તેમજ સાયલા તાલુકામાં, રથ નંબર -4 લીંબડી, ચુડા તેમજ સાયલા તાલુકામાં અને રથ નંબર -5 ચોટીલા, થાનગઢ, મુળી તેમજ સાયલા તાલુકામાં ભ્રમણ કરશે. જે પૈકી રથ નંબર 4 નો આજે લીંબડી તાલુકાના પાંદરી ગામથી ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આજે પાંદરી ગામે ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન યાત્રાનું સ્વાગત, પ્રધાનમંત્રીનો રેકોર્ડ કરેલ સંદેશ, વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા વિડિયો, મેરી કહાની મેરી ઝુબાની, ડ્રોન ડેમોસ્ટ્રેશન, પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક કરનાર ખેડૂતો સાથે વાર્તાલાપ, સોઈલ હેલ્થ કાર્ડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ’ધરતી કહે પુકાર કે’, સ્વચ્છતા ગીત જેવા ગીતોના ગાયન, ઓન ધ સ્પોટ ક્વિઝ, સફળ મહિલાઓ તેમજ સ્થાનિક રમતવીરોનું સન્માન, ગ્રામ પંચાયતની સિદ્ધિઓ લેન્ડ રેકોર્ડનું 100% ડિઝીટાઇઝેશન, જલ જીવન મિશનના લાભો સહિતના કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ રાણા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય રાયમલભાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, પૂર્વ ઉપપ્રમુખ વિક્રમભાઈ વડેખણીયા, અગ્રણી દશરથસિંહ રાણા, લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હરદેવસિંહ ઝાલા, સરપંચ બાબુભાઇ, બી.આર.સી. કો- ઓર્ડીનેટર ઇન્દ્રજીતસિંહ વાઘેલા તેમજ શાળાના શિક્ષકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.