ભારતના સ્વપ્નદ્રષ્ટા આપણાં લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભરતા અને વિકાસના મંત્રને ચરિતાર્થ કરતી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉર્જાવાન ટીમ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાને વધુ તેજ રફ્તારથી આગળ વધારી રહી છે. સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ અને તેના સુચારૂં અમલની ફળશ્રૃતિના અનેક કિસ્સાઓ આપણે રોજબરોજ અખબારોમાં વાંચતા કે ટેલીવીઝન સેટ પર નિહાળતા હોઈએ છીએ. ત્યારે આજે વાત આવા જ એક કિસ્સાની...
બોટાદમાં રહેતા દિવ્યાંગ સોનલબેન પરમાર સામાન્ય પરિવારમાંથી આવે છે, તેમને હંમેશા આર્થિક પ્રશ્ન સતાવતો હતો. પરંતુ સોનલબેનની ચિંતા સરકારશ્રીએ દૂર કરી છે. 100 ટકા અંધત્વ ધરાવતા સોનલબેન માટે પ્રકાશનું કિરણ બન્યું બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ. અહીં કર્મયોગીઓ દ્વારા તેમને સંત સુરદાસ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, બસ પાસ યોજના સહિતની યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. સોનલબેનના પતિએ જરૂરી દસ્તાવેજો જમા કરાવી દીધા અને તેમને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળતો શરૂ થઈ ગયો.
સંત સુરદાસ યોજના અંતર્ગત સોનલબેન દર મહિને રૂ. 1 હજારનું પેન્શન મેળવી રહ્યા છે. આ સિવાય દિવ્યાંગ સાધન સહાય યોજના અન્વયે સોનલબેનને સહાય રૂપે અનાજ દળવાની ઘંટી મળી છે. સોનલબેન દિવ્યાંગ બસ પાસ યોજના હેઠળ નિ:શૂલ્ક મુસાફરી પણ કરી રહ્યા છે.
સોનલબેનના પરિવારના મોભીની જેમ સરકારે તેમના અનેક પ્રશ્નો દૂર કર્યા છે. હાલ સોનલબેન તેમના પતિ અને નાનકડી દીકરી સાથે ખુશહાલ જીવન વ્યતિત કરી રહ્યા છે. “કોઈ પાછળ ન રહે” સૂત્રને ચરિતાર્થ કરવા મક્કમ સરકારશ્રીની પ્રતિબદ્ધતાને સોનલબેન જેવા અનેક લાભાર્થીઓ રેખાંકિત કરે છે.