બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ખારા ગામમાં ખેતમજૂર કરતા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ખારા ગામના વહોળામાં દાટી દીધેલી લાશ મળી આવ્યા બાદ પોલીસે તપાસ કરતા યુવકની પત્નીએ જ તેના ભાઈઓ સાથે મળી પતિની હત્યા નિપજાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. બનાસકાંઠા પોલીસે પત્ની અને તેના બે ભાઈઓની અટકાયત કરી છે. હત્યા પાછળનું કારણ ઘરકંકાસ, આડાસંબંધ કે પછી અન્ય કારણ હતું તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠાના અમીરગઢના ખારા ગામમાં ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતો રાજેશ નામનો યુવક 15 દિવસથી ગુમ હતો. રાજેશના પિતા દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે રાજેશની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે રાજેશની શોધખોળ કરી રહી હતી ત્યારે જ ગઈકાલે ખારા ગામના વહોળામાંથી રાજેશની દાટી દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી.
રાજેશ ગુમ થયા બાદ તેમના પરિવારજનો અને પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. આ અરસામાં રાજેશની પત્ની ગીતા વહોળા પાસે આંટાફેરા કરતી હોય વાડી માલિકને શંકા ગઈ હતી. વાડી માલિકે તપાસ કરતા ખોદકામ નજરે પડ્યું હતું અને એક ગોદળા જેવું દેખાતું હતું. જેથી વાડી માલિકે રાજેશના પિતાને જાણ કરતા પોલીસ અને મામલતદારની હાજરીમાં ખોદકામ કરવામાં આવતા રાજેશની લાશ મળી આવી હતી. રાજેશની હત્યા મામલે તેની પત્ની ગીતા અને અન્ય શખ્સો સામે શંકા દર્શાવવામાં આવી હતી. ગીતાની પૂછપરછ કરતા તેને જ તેના ભાઈઓ સાથે મળી હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે હાલ રાજેશની હત્યા મામલે ગીતા અને તેના બે ભાઈઓની અટકાયત કરી લીધી છે.
આ મામલે બનાસકાંઠા એસ.પી. અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજેશની હત્યા ઘરકંકાસના કારણે, આડાસંબંધના કારણે કે કોઈ અન્ય કારણોસર કરવામાં આવી તે અંગે તપાસ કરી હાથ ધરવામાં આવી છે.