મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં બ્રાહ્મણવાડા ખાતે આજે ગણપતિદાદાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. એ દરમિયાન મોટી દુર્ઘટના બની હતી, જેમાં ફૂટેલા ફટાકડાની જ્વાળા ગેસના ફુગ્ગાને અડી જતાં એક મોટો ધડાકો થયો હતો, જેમાં માસૂમ બાળકો સહિત 30 જેટલા લોકો દાઝી ગયા હતા.

ઊંઝાના બ્રાહ્મણવાડા ખાતે આજે ગણપતિ દાદાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓ મહોત્સવમા જોડાયા હતા. ત્યારે કેટલાક લોકો ગેસના ફુગ્ગા સાથે ઊભા હતા, એ દરમિયાન બાજુમાં જ ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. ત્યારે અચાનક આગની જ્વાળા ગેસના ફુગ્ગાને અડી જતાં એક મોટો ભડકો થયો હતો, જેથી ગેસના ફુગ્ગાને લઈને ઊભેલા 30 લોકો દાઝ્યા હતા.

તમામ ઈજાગ્રસ્તને સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. એ બાદ સ્થાનિક દવાખાને તેમજ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડી વધુ સારવાર અર્થે દર્દીઓને જનરલ હોસ્પિટલ ઊંઝા ખાતે રિફર કર્યા હતા, જ્યારે 25 જેટલા દર્દીઓને લાયન્સ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા છે.

બ્રાહ્મણવાડા ખાતે ગણપતિ મંદિર મહોત્સવ દરમિયાન ફટાકડાના પગલે મોટો ભડકો થતાં 30થી વધુ લોકો દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોને પીએચસી સેન્ટર અને ઊંઝા એસડીએચ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. એ બાદ લાયન્સ હોસ્પિટલ મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યાં હતા. આ ઘટનામાં કોઈના મોતના સમાચાર હજુ સુધી સામે નથી આવ્યા, જોકે થોડીવાર માટે ભાગદોડ મચી ગઈ હતી.