પાવીજેતપુર તાલુકાના ખટાશ ગામે બે દુકાન તથા એક મકાનનું તાળુ તોડી ૪૪,૫૦૦/- ની થયેલી ચોરી
પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે મોડી રાત્રે બે દુકાનના તેમજ એક મકાનનું તાળું તોડી ઘરવખરી સામાન વેરવિખેર કરી ૪૪,૫૦૦/- ની ચોરી થતા કદવાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામી છે.
પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે રહેતા અરવિંદભાઈ મનસુખભાઈ બારીયા ૧૭ નવેમ્બર ના રોજ રાત્રિના આઠ વાગ્યે દુકાન બંધ કરી ઘરે ગયા હોય તેમજ ગામમાં ભજનનો કાર્યક્રમ હોય ત્યાં ગયા હતા. ત્યાંથી મોડી રાત્રે ઘરે પરત આવ્યા હતા ત્યારે તેઓના પિતાએ વાત કરી હતી કે દુકાનના ઓટલાની લાઈટો કોણે બંધ કરી છે ? ત્યારે અરવિંદભાઈએ જણાવ્યું હતું કે હું એ બંધ કરી નથી. શંકા જતા દુકાન ના ઓટલા પર જઈ જોતા લોખંડના દરવાજાનું નકુચો તાળાસહિત તોડી નાખી દરવાજો થોડો ખુલ્લો જોવા મળ્યો હતો. અંદર જઈ તપાસ કરતા તિજોરીમાં મૂકેલ સોનાની વીંટી આશરે ત્રણ ગ્રામ વજનની કિંમત ₹૧૫,૦૦૦/- ની તથા વિમલ કંપનીના પાન મસાલાના બાંધામાં નીકળતા ચાંદીના સિક્કા જે સંગ્રહ કરેલ હોય જેનું વજન ૧૫૦ ગ્રામ જેટલું હોય જેની કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- તથા ડ્રોવરમાં રાખેલ પરચુરણ થતા રોકડા રૂપિયા ૭૦૦૦ મળી કુલ ૩૨,૦૦૦/- ની માલમત્તાની કોઈ ઈસમો ચોરી કરી ગયા હતા. જ્યારે ખટાસ ગામે હનુમાનજી મંદિરની સામે આવેલ દિલીપભાઈ કાળુભાઈ બારીયા ની દુકાન નો નકુચો તોડી ગલ્લામાંથી રોકડા રૂપિયા ૧૨,૫૦૦/- ની ચોરી થવા પામે હતી. જ્યારે પર્વતભાઈ મગનભાઈ બારીયાઓના બંધ મકાનનું તાળું તોડી પેટી પલંગમાં રાખેલ કપડા ગોદડા વગેરે વેરવિખેર કરી નાખવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંથી ચોરોને કંઈ મળ્યું ન હતું.
આમ, પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામેથી બે દુકાનના તાળા તોડી ૪૪,૫૦૦/- ની ચોરી થવા પામી છે જ્યારે એક બંધ મકાનનું તાળું તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંગે કદવાલ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.