બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ગાબડા પડવાનો હજુ પણ યથાવત છે. જેમાં આજે ડીસા તાલુકાના વિઠોદર પાસે પણ જળાશય યોજનાની એમડી -1 કેનાલમાં મોટું ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યુ હતું.
ડીસા તાલુકાના વિઠોદર ગામ પાસેથી પસાર થતી કેનાલમાં મોટું ગામડું પડવાની ઘટના સર્જાઈ છે. જેમાં સીપુ જળાશય યોજનામાંથી ડીસા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું હતું અને વિઠોદર પાસેથી પસાર થતી આ કેનાલમાં અચાનક ગાબડું પડતા ધસમસતો પાણીનો પ્રવાહ આજુબાજુના ખેતરમાં ફરી વળ્યો હતો. જેના કારણે કેનાલની આજુબાજુમાં આવેલ 15 એકર જમીનમાં વાવેતર કરેલા રાયડો, એરંડા અને ઘઉં સહિતના પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
2017 પછી આ વર્ષે એટલે કે છ વર્ષ પછી સીપુ જળાશય યોજનામાં પાણી આવ્યું હતું અને ડીસા પંથકમાં પાણીના તળ પણ ખૂબ જ ઊંડા જઈ રહ્યા હતા. જેથી ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારે કેનાલ મારફતે પાણી છોડાતા કેનાલમાં ગાબડું પડતા આ ઘટના સર્જાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, છ મહિના અગાઉ જ આ કેનાલમાં રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. ત્યારે રીપેરીંગ કામ દરમિયાન સુપર વિઝન કરનાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી દાખવી હલકી ગુણવત્તાવાળું કામ થયું હોવાથી કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું ખેડૂતોનું માનવું છે અને મોટુ નુકસાન વેઠવું પડ્યું હોવાથી સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો.