ડીસામાં ગઈકાલે રાત્રે અચાનક ફીડરમાં ખામી સર્જાતા જલારામ મંદિર અને ગાયત્રી મંદીર આસપાસની 30 જેટલી સોસાયટીઓમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. જેના કારણે સતત ત્રણ કલાક સુધી લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

ડીસા શહેરમાં તહેવાર ટાણે જ વીજફોલ્ટ સર્જાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે પડતર દિવસની રાત્રે અચાનક ફીડરમાં ખામી સર્જાઈ હતી. જેના કારણે જલારામ મંદિર, ગાયત્રી મંદિર, મારુતિ પાર્ક, એલ ડી પાર્ક, રીજમેટ રોડ સહિત આસપાસની 30 જેટલી સોસાયટીઓમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી અને તહેવારમાં રંગબેરંગી સિરીઝ અને રોશનીથી ઝળહળતી શેરીઓ અને સોસાયટીઓમાં અંધારપટ છવાયો હતો.

આ બનાવને પગલે ડીસા શહેર યુજીવીસીએલની ટીમે પણ તરત જ બનાવસ્થળે પહોંચીને રીપેરીંગ કામ શરૂ કર્યું હતું અને સતત બે કલાકની ભારે જહમત બાદ વીજળી શરૂ થઈ હતી. જેથી લોકોએ પણ હાંસકારો અનુભવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, તહેવારના સમયમાં પણ યોજીવીસીએલના કર્મચારીઓએ ખડે પગે રહી ત્વરિત સમસ્યાનો ઉકેલ લાવતા લોકોએ રાહત અનુભવી હતી.