ડીસામાં આજે બે જગ્યાએ ધારાસભ્ય અને નાયબ કલેક્ટરે શ્રમિકોને પૌષ્ટિક ભોજન પીરસી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. દિવાળીના તહેવાર પહેલાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 7 જેટલાં નવા ભોજન કેન્દ્રો શ્રમિકો માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.
ડીસામાં આજે શ્રમિકો માટે બે ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં કુલ-7 ભોજન કેન્દ્રો શરૂ કરાયા છે. "અન્ન દાન એ મહાદાન છે" એ વાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે શ્રમિકો માટે ભોજન કેન્દ્રો શરૂ કર્યા છે. આજે ધનતેરસના દિવસે ડીસામાં સાઈબાબા મંદિર આગળ અને હવાઈ પીલ્લર પાસે બે જગ્યાએ અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરાઈ છે.
ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને નાયબ કલેક્ટર નેહા પંચાલે શ્રમિકોને ભોજન પીરસી અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરાવી હતી. આ યોજના અંતર્ગત માત્ર રૂ. 5 માં શ્રમિક તથા તેના પરિવારને પૌષ્ટિક ભોજના આપવામાં આવે છે. જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણુ, મરચા અને ગોળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સપ્તાહમાં એકવાર સુખડી જેવું મિષ્ટાન પણ આપવામાં આવે છે. એક વ્યક્તિને અંદાજીત 625 ગ્રામ અને 1525 કેલરી ભોજન આપવામાં આવે છે. દર ગુરૂવારે ખીચડી અને કઢી આપવામાં આવે છે.