ડીસામાં કચ્છી કોલોની પાસેથી આજે એક યુવકની લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસામાં કચ્છી કોલોની વિસ્તાર પાસે એક યુવકની લાશ મળી આવી હતી. રાજસ્થાનના સીકર ગામનો વતની સુનીલ સોની નામનો યુવક ડીસામાં છૂટક મજૂરી કરી તેનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે આજે વહેલી સવારે ઘર આગળ જ તેનું અગમ્ય કારણોસર મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ડીસાના સેવાભાવી મનુભાઇ આસ્નાની પણ સ્થળ પર પહોંચી જાણ કરતા ડીસા શહેર દક્ષિણ પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.