ડીસાના જીઆઈડીસી વિસ્તારના તહેવારો ટાણે જ પાણી ન આવતા વેપારીઓ પરેશાન થઈ ગયા છે અને આજે વેપારીઓ પ્રાથમિક સુવિધાઓને લીધે પાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી.

ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક વેપારીઓને રોડ-રસ્તાઓ, પીવાનું પાણી સહિત સ્ટ્રીટ લાઈટો અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓને લઈને મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. જ્યારે જીઆઈડીસી એસોસિયેશન દ્વારા 2009માં મહેસાણા અને ગાંધીનગર જીઆઈડીસી દ્વારા થયેલ કરાર મુજબ ડીસા જીઆઈડીસી વિસ્તારના વેપારીઓ દ્વારા દર વર્ષે અંદાજે 15 લાખ જેટલો વેરો ભરતાં હોવા છતાં આજદિન સુધી કોઈપણ જાતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ નથી.

ત્યારે તહેવારો ટાણે પાણીની સમસ્યાથી પીડાતા ડીસા જીઆઈડીસી એસોસિયેશનના પ્રમુખ અતુલ મામતોરા, વિજય હેમનાણી સહિત મોટી સંખ્યામાં વેપારીઓ સાથે મળીને પાલિકા કચેરી ખાતે પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટ અને પાલિકા પ્રમુખ સંગીતા પ્રકાશભાઈ દવે સહિત પાણી પુરવઠા ચેરમેન અમીત રાજગોરને મળીને રજૂઆત કરવામાં આવી હતી. ચીફ ઓફિસર પંકજ બારોટે વેપારીઓને જીઆઇડીસી તેમજ સરકારની 80-20ની યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. પાલિકા દ્વારા રજૂઆત કરવા આવેલ વેપારીઓને સંતોષકારક જવાબ આપી અને નગરપાલિકાના નિયમો અનુસાર જીઆઈડીસી વિસ્તારમાં તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટેના પ્રયાસ કરવાની ખાત્રી આપી હતી.