ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ભોયણ ગામ પાસે હાઇવે ઓથોરિટી દ્વારા ડીવાડર વચ્ચે આપેલા કટને કારણે વારંવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે. ત્યારે આજે પણ બાઈક સવારને બચાવવા જતા બોલેરો કાર પલટી ખાઈ જતા બે વ્યક્તિને ગંભીર ઇજા થવા પામી હતી.

ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ભોયાણ ગામ સુધી હાઇવે પર બંને બાજુ સર્વિસ રોડ આવેલા છે. જેના કારણે અગાઉ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઇવે પર છેક ડીસા રાજમંદિર સિનેમાથી લઈ ભોયાણ ગામ થઈ કલ્યાણપુરાના પાટીયા પાસે ઓથોરિટીના નિયમ મુજબ કટ આપવામાં આવ્યો હતો.

જોકે, ભોયણ ગામ લોકોની વારંવાર રજૂઆતના કારણે અને ડીસામાં એલિવેટેડ ઓવરબ્રિજ બની જવાના કારણે હાઇવે ઓથોરિટી દ્વારા ભોયણ ગામ પાસે ડિવાઇડર વચ્ચે કટ કરી ભોયણ ગામમાં જવાનો રસ્તો અપાયો છે. જોકે આ કટ હાઇવે પર ઓથોરિટીના નિયમો અનુસાર ન હોય તેમજ ઘટના બંને છેડે બમ્પ લગાવેલા ન હોવાથી વારંવાર અકસ્માતો સર્જાય છે.

છેલ્લા એકાદ વર્ષથી અપાયેલા રસ્તામાં થયેલા અકસ્માતમાં અનેક લોકોએ જાન ગુમાવ્યા છે. જ્યારે ઘણા લોકોને અકસ્માતમાં ઇજાઓ થઈ છે. જેના કારણે પોલીસે બંને તરફ બેરીકેટ તો મૂક્યા છે પરંતુ સ્પીડમાં આવતા વાહનોના કારણે અકસ્માતો નો સિલસિલો યથાવત રહ્યો છે. આજે પણ રોડ ક્રોસ કરી રહેલા બાઇકચાલકને બચાવવા જતા કાર પલટી ખાઈ ગઈ હતી. જેથી કારમાં સવાર બે વ્યક્તિને ગંભીર ઇજા થતા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા.