દિવાળીના તહેવારોમાં દીવડાઓનું વેચાણ કરી માનસિક દિવ્યાંગ બાળકો પગભર બનશે

માનસિક દિવ્યાંગ બાળકોએ તાલીમ લઈ છ હજાર જેટલા દીવડા બનાવ્યા

        સાબરકાંઠા હિંમતનગર મોતીપુરા વિસ્તારમાં ચાલતી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોને પ્રવૃત્તિશીલ રાખવા દીવડા બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. આ દિવાળીના તહેવારમાં દિવડાઓનું વેચાણ કરી બાળકો પોતે પગભર બને અને ભવિષ્યમાં આર્થિક ઉપાજન કરી શકે તે માટે શિક્ષણની સાથે ઉદ્યોગની તાલીમ અપાય છે. 

       આ સંસ્થાના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલે જણાવ્યું કે, આ સંસ્થામાં 18 વર્ષથી ઉપરના બાળકોને વિવિધ વસ્તુઓનું નિર્માણ કરતા શીખવા આમાં આવે છે. આ દિવાળી નિમિત્તે આ બાળકો તથા દીકરીએ છ હજાર જેટલા દીવડા તૈયાર કર્યા છે. આ બાળકોએ બનાવેલા દીવડાનું સ્થાનિક કક્ષાએ વેચાણ કરાય છે આ વેચાણ ન નફો કે ન નુકશાનના ધોરણે કરાય છે. 18 વર્ષથી ઉપરના બાળકોને તથા દીકરીઓને પગલુછણીયા, મીણબત્તી, કોડિયા, તોરણ, ઝુમ્મર, કવર, ફુલના બુકે તેમજ રાખડીયો તથા સિવણની તાલીમ વગેરે આપવામાં આવે છે. માનસિક દિવ્યાંગ બાળકોને આ રીતનું શિક્ષણ આપવા માટે ખૂબ જ ધીરજ અને ખંતની જરૂર પડે છે. આ દીકરીઓની સતત સાથે રહીને આ કાર્ય કરવું પડે છે આ પ્રવૃત્તિ કરવી આ દીકરીઓને ખૂબ ગમે છે. શણગારેલા દીવડામાંથી રેલાતો પ્રકાશ તેમના મનની પવિત્રતાની સુવાસ ફેલાવે છે.