વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત રાજ્યમાં પણ આ અભિયાન જનભાગીદારી થકી વધુ વ્યાપક બન્યું છે અને રાજ્યમાં સ્વચ્છતાની ગુંજ ફેલાઈ છે.
ગુજરાતમાં આગામી ૨ મહિના સુધી આ અભિયાનને લંબાવીને સમગ્ર રાજ્યને સ્વચ્છ, નિર્મળ અને સુઘડ બનાવવા ઠેર ઠેર જનભાગીદારી થકી સફાઈ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું છે. શહેરના તમામ ઝોન વિસ્તારોમાં સ્વચ્છતાની ગુંજ ફેલાઈ છે. સુરત મહાનગર પાલિકા દ્વારા તમામ ઝોન વિસ્તારના સ્લમ એરિયા તેની આસપાસના સ્થળોની સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં ઈજનેર વિભાગે પેચવર્ક, ફૂટપાથ રિપેર, કર્બ સ્ટોન કલર, ડ્રેનેજ વિભાગ દ્વારા ડ્રેનેજની સફાઈ તેમજ સમારકામ, ગાર્ડન વિભાગના કર્મચારીઓએ બિનજરૂરી ઘાસ તથા છોડના નિકાલની કામગીરી હાથ ધરી હતી.
તમામ ઝોન ખાતે ઝોનલ ચીફ, ઝોનલ ઓફિસરો, તેમજ નાયબ આરોગ્ય અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ મનપાના કર્મચારીઓએ સઘન સફાઈ કામગીરી હાથ ધરી હતી.
આજ રોજ સેન્ટ્રલ ઝોનમાં હરિજનવાસ દિલ્હી ગેટ આસપાસના વિસ્તારોમાં ૧૧૨ થી વધુ સફાઈ કામદારોએ સફાઈ કરી હતી. વરાછા ઝોન-એ માં સિદ્ધકુટીર મહાદેવ મંદિર પાસે થી પી.પી. સવાણી હોસ્પિટલ સુધી અને આસપાસના વિસ્તારોમાં ૨૨૬ થી વધુ કર્મચારીઓ, વરાછા ઝોન-બી માં વિવેકનગરકોલોની પાસે ૧૪૪ થી વધુ કર્મચારીઓ, કતારગામ ઝોનમાં ગજેરા સર્કલ, અશ્વનીકુમાર સ્મશાન, રેલ્વે સ્ટેશન ગરનાળાથી ફુલપાડા રોડ જે.બી.ડાયમંડ રોડની આસપાસ વિસ્તારોમાં ૧૧૨ કર્મચારીઓ, ઉધના ઝોન-એ માં આવિર્ભાવ સોસાયટીથી નાગસેનનગર સુધીનો વિસ્તાર અને આસપાસ ૧૧૪ થી વધુ કર્મચારીઓએ સાફ-સફાઈ કરી હતી.
ઉધના ઝોન-બીમાં શ્રી રામનગર તળાવની અને તેની આસપાસનાં વિસ્તારોની સફાઈ ઝુંબેશમાં ૧૦૨ કર્મચારીઓ, લીંબાયત ઝોનમાં ડુંભાલ ફાયર સ્ટેશનનો ક્રોસ રોડ પાસે ૧૦૩, અઠવા ઝોનમાં અઠવા ડાયમંડ સુડા આવાસ વિસ્તારમાં ૧૪૪, રાંદેર ઝોનમાં રૂષભ ચોકડીથી દિવાળી બાગ શાળા વિસ્તારમાં ૧૯૮ કર્મચારીઓએ સફાઈ ઝુંબેશની કામગીરી કરી હતી.
ઈજનેર વિભાગ દ્વારા જરૂરી પેચવર્કની કામગીરી, ફૂટપાથ રિપેરીંગ, આરોગ્ય અધિકારીઓએ આ વિસ્તારોમાં સર્વે કરી ગંદકીવાળા સ્થળો પર નોટિસ આપીને દંડનીય કાર્યવાહી કરી હતી. દરેક દુકાનોમાં કચરાપેટી રાખવા અને કચરાના વર્ગીકરણની સમજ આપી હતી. જ્યાં ત્યાં કચરો નહી નાખવા માટે બેનર લગાવાયા હતા. આ સ્થળો પર સફાઈ ઝુંબેશ દરમ્યાન પ્લાસ્ટિક તથા અન્ય કચરો એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ તથા પ્રોસેસિંગ કરાયું હતું. વધુમાં ટેકનિકલ વિભાગ દ્વારા ૭૫ મશીન હૉલ, ૨૯૫ મીટર ફૂટપાથ રિપેરિંગ, તથા ૭૭ સ્થળો ઉપર પેચવર્કની કામગીરી કરાઈ છે. તમામ ઝોન ખાતે સી એન્ડ ડી વેસ્ટ નિકાલની ડ્રાઈવ કરી સી એન્ડ ડી વેસ્ટ પ્રોસેસિંગ માટે મોકલવામાં આવ્યો છે.