ડીસાની સિંધી કોલોની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રોડ પર ભરાઈ રહેતા રોગચાળાની ભીતિ ફેલાઇ છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા ન થતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
ડીસાની સિંધી કોલોનીમાં ડી આર અગ્રવાલના મકાન તરફ જવાના માર્ગે છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે. અહીં નાંખવામાં આવેલી મોટાભાગની પાઇપો તૂટી જતા અને ખરાબ હાલતમાં હોવાથી ગંદા પાણીના ખાબોચિયા ભરાઇ રહે છે.
સતત ગંદુ પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. તેના કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ ફેલાઈ છે. આ બાબતે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા ગંદા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેથી સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત સેવાઇ રહી છે. ત્યારે સ્થાનિકોની માગ છે કે તાત્કાલિક પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે.
આ અંગે સ્થાનિક રહેવાસી દિલીપભાઈ સોનેજીએ જણાવ્યું હતું કે, સિંધી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈને ગંદુ પાણી ભરાઈ રહ્યું છે. પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. નરેન્દ્ર મોદી આટલું સારું કામ કરી રહ્યા છે પરંતુ કોણ જાણે સ્થાનિક અધિકારીઓ તેમની કામગીરીને નામશેષ કરવા માંગે છે.