પંચમહાલના બાહુબલી નેતાનું અવસાન: પૂર્વ સાંસદ અને ધારસભ્ય પ્રભાતસિંહ ચૌહાણનું ટૂંકી માંદગી બાદ 83 વર્ષે અંતિમ શ્વાસ લીધા.
પંચમહાલના દિગ્ગજ નેતા પ્રભાતસિંહ ચૌહાણનું નિધન થયું છે. પૂર્વ સાંસદ અને ધારસભ્ય પ્રભાતસિંહ ચૌહાણનું ટૂંકી માંદગી બાદ 83 વર્ષે નિધન થયું છે.
પ્રભાતસિંહ ચૌહાણનો જન્મ 15 જૂન, 1941ના રોજ ગોધરાના મહેલોલમાં થયો હતો. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત મેહલોલ ગામના સરપંચ તરીકે કરી હતી. બાદમાં તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ પદો પર ચૂંટાયા હતા. પ્રભાતસિંહે પ્રથમ બે વિધાનસભા ચૂંટણી 1980 અને 1985માં કાલોલ બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પરથી લડી હતી અને બંને વખત તેઓ ચૂંટાયા હતા. 1990માં કૉંગ્રેસે ટિકિટ ન આપતાં તેઓ ભાજપમાં જોડાયાં અને ભાજપ તરફથી 1995, 1998 અને 2002માં ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ભાજપે તેમને 2007માં પણ ટિકિટ આપી હતી, જોકે તેઓ કૉંગ્રેસના સી. કે. રાઉલજી સામે હારી ગયા હતા. એ જ સમયે તેમના પુત્ર પ્રવીણસિંહ કાલોલથી અપક્ષના ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા અને હાર્યા હતા.
આ મંત્રાલયો સંભાળી ચૂક્યા છે પ્રભાતસિંહ ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રભાતસિંહ ગુજરાત સરકારમાં પર્યાવરણ, આદિવાસી વિકાસ અને યાત્રાધામ વિકાસ મંત્રાલય સંભાળી ચૂક્યાં છે.