સાબરકાંઠાના ખેરોજમાં રુવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં શાળાના વિધાર્થીઓને ડામ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.ખેરોજની નચિકેતા વિધાલયમાં 13 જેટલા બાળકોને ડામ અપાતા ખળભળાટ મચી ગયો છે. વાલીઓએ ખેરોજ પોલીસ, કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી છે. સાબરકાંઠા જિલ્લાની એક સ્કૂલમાં 13 વિધાર્થીઓને મસ્તી કરવા બદલ ડામ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર મામલે વાલીઓએ પોલીસ, કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. આ ગંભીર ઘટનાની તંત્રને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરાઇ હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના ખેરોજની નચિકેતા વિધાલય વિવાદમાં સપડાઇ છે. નિધિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતી નચિકેતા વિધાલયમાં 13 જેટલા બાળકોને ડામ આપવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. વાલીઓ દ્વારા જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. થોડા દિવસ અગાઉ વિધાર્થીઓ મસ્તી કરતા હોવાથી 13 જેટલા બાળકોને ડામ આપવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં વાલીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સ્કૂલના પ્રિન્સિપાલને આ મામલે ફરિયાદ કરી હતી.જે બાદ વાલીઓ સીધા ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ આ મામલે લેખિતમાં ફરિયાદ નોંધાવી જવાબદાર સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત વાલીઓએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી હતી. વાલીઓ દ્વારા બાળકોને ડામ આપ્યાની તંત્રમાં લેખિતમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.