ગુજરાતમાં નવા જ બની રહેલા બ્રિજનો ભાગ ધરાશાયી થવાની ઘટનાઓ હવે નવી નથી રહી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થતાં નીચે ઊભેલાં ટ્રેક્ટર અને રિક્ષા દબાઈ ગયાં હતાં. બ્રિજ દુર્ઘટનાના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. જેમાં બ્રિજ નીચે પાર્ક કરી ઉભેલો એક રિક્ષાચાલક દુર્ઘટના સમયે ભાગવા જતા તેની માથે મહાકાય સ્લેબ પડતો જોવા મળી રહ્યો છે.
તંત્ર દ્વારા કાટમાળ દૂર કરાતા કાટમાળ નીચે દટાયેલી રિક્ષા અને તેના ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ વધુ એક વ્યકિતનો પણ મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. આ મામલાની ગંભીરતાને ધ્યાન પર રાખી મુખ્યમંત્રી દ્વારા તપાસનો આદેશ આપવામાં આવતા ગાંધીનગરથી ઈજનેરોની એક ટીમ પાલનપુર તપાસ માટે રવાના થઈ ચૂકી છે. જે તપાસ કરી રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે.
પાલનપુર આરટીઓ સર્કલ પાસે બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો તે પહેલા અહીં સામાન્ય રીતે ટ્રાફિકની અવરજવર જોવા મળી રહી છે. આ સમયે બ્રિજના સ્લેબ નીચે જ એક રિક્ષા ઉભેલી જોવા મળી રહી છે. બ્રિજ તૂટવાનો અવાજ આવતા જ રિક્ષાનો ચાલક તેમાંથી ભાગવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. જો કે, આ વ્યકિત ત્રણ ડગલા દૂર પહોંચે છે ત્યાં જ બ્રિજનો મહાકાય સ્લેબ તેની માથે પડતો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કાટમાળ દૂર કરાતા નીચેથી રિક્ષા અને તેના ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ વધુ તપાસ કરાતા અન્ય એક વ્યકિતનો મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે.
પાલનપુર શહેરમાં નેશનલ હાઈવે 58 પર રેલવે ઓવરબ્રિજના એપ્રોચના ગર્ડર ટોપલ થવાની દુર્ઘટનાની મુખ્યમંત્રીએ ગંભીરતાથી નોંધ લીધી છે. આ દુર્ઘટનાના પ્રાથમિક કારણો જાણવા માટે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન સર્કલના અધિક્ષક ઇજનેર તેમજ GERIના અધિક્ષક ઇજનેરને તાત્કાલિક પાલનપુર પહોંચવાના આદેશો કર્યા છે. આ અધિક્ષક ઇજનેરો પાલનપુર જવા રવાના થયા છે અને સ્થળ તપાસ કરીને દુર્ઘટનાના પ્રાથમિક કારણો તાત્કાલિક રાજ્ય સરકારને જણાવશે.
પાલનપુરમાં દુર્ઘટનાસ્થળ પર પહોંચેલા ધારાસભ્ય અનિકેત ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીં બ્રિજની નબળી કામગીરીના દર્શન થઈ ગયા.નબળી કામગીરી થઈ છે તે બધાને દેખાય છે. આ રીતે કોઈ કામ ચલાવી ન લેવાય, ખૂબ જ કડક કાર્યવાહી કરવી પડે. નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર અંગે પૂછાતા કહ્યું હતું કે, આ ઘટના માટે કોન્ટ્રાક્ટરને જ જવાબદાર ગણવો પડે. મૃતકોના પરિવારજનોને સહાય મળે તે માટે હું સરકારને રજૂઆત કરીશ.
પાલનપુરના આરટીઓ સર્કલ પાસે બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાના કારણે બે લોકોના મોત નિપજતા પાલનપુર પૂર્વ પોલીસ મથકે બ્રિજ બનાવનાર એજન્સી જીપી કન્સ્ટ્રકશન સામે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવમાં બે લોકોના મોત થયા હોય પોલીસ અન્ય કલમોનો પણ ઉમેરો કરી શકે છે.
અમરેલી જિલ્લામાંથી પસાર થઈ રહેલા ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ પાસે બ્રિજનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે બ્રિજ સંપૂર્ણ બને તે પહેલાં જ સ્લેબ ધરાશાયી થતા કામની ગુણવત્તાને લઈ સવાલ ઊઠ્યા હતા. જે તે સમયે આ બ્રિજ ધરાશાયી થયા બાદ એજન્સી દ્વારા કાટમાળ પણ ખસેડી લેવામાં આવ્યો હતો.
અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર બોપલથી શાંતીપુરા તરફના રોડ પર નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ બે વર્ષ પહેલા ધરાશાયી થયો હતો. બ્રિજનો સ્લેબ પડતા બનેલી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બ્રિજનો વચ્ચેનો જ સ્લેબ ધરાશાયી થયા બાદ લાંબા સમય આ સ્લેબનું કામ બંધ રખાયું હતું ત્યારબાદ ફરી નવો સ્લેબ બનાવી બ્રિજનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો હતો.