ડીસા તાલુકાના લોરવાડા ગામે એક ખેડૂતના ઘરે ઘાસના પુળા ભરવાના ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ડીસા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ડીસા તાલુકાના લોરવાડા ગામે ઇન્દિરા નગર પાસે રહેતા ખેડૂતના ખેતરમાં ઘાસના પુળા ભરવાનું ગોડાઉન બનાવેલું છે. જેમાં આજે વહેલી પરોઢે કોઈ કારણસર આગ લાગી ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ ખેતર માલિક સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી.
જ્યારે આગના બનાવ અંગે જાણ કરતા ડીસા નગરપાલિકાના ફાયર વિભાગમાંથી તાત્કાલિક મીની ફાઈટર સાથે બે કર્મચારીઓ સ્થળે પહોંચી ગયા હતા. તેમજ કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ લાગતા ઘાસનો જથ્થો સંપૂર્ણ નાશ થતાં ખેડૂતને મોટું નુકસાન થવા પામ્યું છે.