હાલોલ ખાતે આગામી દિવસોમાં યોજાનારા દશેરાના પાવન પર્વને અનુલક્ષીને ક્ષત્રિય સમાજના લોકોમાં જેમાં ખાસ કરીને યુવાનો અને અગ્રણીજનોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે જેમાં હવે દશેરાના પાવન પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હાલોલ નગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા મહાશસ્ત્ર પૂજન અને મહારેલીના આયોજનની તૈયારીઓને આખરી ઓપ આપી તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજરોજ હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ પ્રસિદ્ધ શ્રી રામજી મંદિર ખાતે શ્રી રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી રામ શરણદાસ મહારાજની પાવન ઉપસ્થિતિમાં તેમજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમારની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દશેરાના પાવન દિવસે યોજાનારા મહાશસ્ત્ર પૂજન અને મહારેલીને અનુલક્ષીને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઓ કરી એકબીજા સાથે સલાહ સૂચનોની આપ-લે કરી ઉપસ્થિત મહાનુભવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર, હાલોલ તાલુકા ભાજપા પ્રમુખ પ્રવીણસિંહ પરમાર,નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ,ભારતીય જનતા પાર્ટીના શહેર ઉપપ્રમુખ અભયભાઈ વ્યાસ,મહાકાલ સેનાના યુવા અગ્રણી જીતુસિંહ રાઠોડ તેમજ ક્ષત્રિય સમાજના અનેક અગ્રણીઓ અને મહાકાલ સેનાના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.