ડીસામાં સ્પોર્ટ્સ ક્લબ પાસે મોડી રાત્રે છકડો રીક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં રીક્ષા ચાલકને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ડીસા તાલુકાના ભાટસણ ગામે રહેતા શ્રવણભાઈ કાનજીભાઈ રાવળ છકડો રીક્ષાની ફેરીઓ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગઈકાલે રાત્રે સ્પોર્ટ્સ ક્લબ પાસે આવેલી બેન્ક ઓફ ઇન્ડિયા આગળથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા છકડો રીક્ષા પલટી ખાઈ ગઈ હતી અને પલટી ખાધા બાદ રીક્ષા સામેથી આવી રહેલી કારને ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષા નીચે દબાઈ જતા ચાલક શ્રવણભાઈ રાવળને ગંભીર ઇજા પહોંચી હતી.

આ ઘટનાને પગલે આજુબાજુના વાહનચાલકો અને લોકોએ ઉભા રહી રાહત કામગીરી શરૂ કરી હતી અને રિક્ષામાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચાલકને બહાર નીકાળ્યો હતો. અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ બનાવસ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડાયો હતો.