દેવદૂત જન્મતા જ રહે છે

(ડૉક્ટર પરેશ પટેલ : જાણવા જેવો મનખ)

     આશરે ગઈ સદીના સાઈઠીના દસકાના આખરી સમયની વાત છે. આણંદ નજીક બોરસદની સોડમાં ઊભેલા નાનકડા એવા વાસણા ગામની ભાગોળે ગામના કેટલાક યુવાનો અને વડીલોના સમૂહ વચ્ચે એક તરવરિયો યુવક આંખોમાં સ્વપ્નો લઈ ઊભો છે. એનામાં તાજો જ જન્મેલો ડૉક્ટર એના ચહેરા ઉપર કંઈક ગજબની ચમક રમાડી રહ્યો છે. આજે એ આફ્રિકાના યુગાન્ડા દેશમાં પોતાના વ્યવસાય માટે પ્રસ્થાન કરી રહ્યો છે એની વિદાય માટે ગામભાગોળે લોક ભેગા થયા છે. એક વડીલ આગળ આવીને શુભેચ્છા આપતાં ટપારે છે “ભઈ, તુ ભણ્યોગણ્યો ને હૅડ્યો પરદેશ અમારે શુ કૉમ આવ્યાનો?” બધા વાત સાંભળીને હસી કાઢે છે. 

   

     તરવરિયો ડૉક્ટર યુગાન્ડા એકાદ બે વરસ કામ કરી અમેરિકાની વાટ પકડી લે છે. ત્યાં સર્જરીની ડિગ્રી પ્રાપ્ત કરી લે છે. વખત થતાં એને પ્રતિભાશાળી જીવનભરની સંગીનીનો સાથ મળે છે. રેડિયો ઑન્કોલોજીસ્ટ પત્ની અને બાહોશ જનરલ-ઓન્કો સર્જનની જુગલબંધી અમેરિકામાં અઢળક કમાણી કરે છે. આ બધી વાતમાં કશુંય નવું નથી. પરંતુ ખરો વળાંક હવે આવે છે.

     જીવનનો છઠ્ઠો દાયકો સમાપ્ત થવાની વેળે પરદેશગમન વખતે વડીલે કરેલી ટિપ્પણી એના દિલમાં જાગી ઉઠી, અને એણે દેશમાં આવીને નવી નવી આવેલી લેપ્રોસ્કોપીક સર્જરીની ટ્રેનીંગ માટે ભારતનાં શહેરોમાં (છેક પંજાબ સુધી) કંઈ કેટલાય કેમ્પ કરીને દેશના અસંખ્ય સર્જનને હેન્ડ-ઓન ટ્રેઇનિંગ આપવાનું પુન્ય કાર્ય કરવા માંડ્યું. અમેરિકાથી પોતાની સાધન સામગ્રી લાવે અને જે સંસ્થામાં કેમ્પ કરાયો હોય ત્યાં જ સાધનો દાન કરી દે. 

    સાઈઠ કે બાસઠની ઉંમરે આ દંપતી એમના વ્યવસાયની પરાકાષ્ઠાને તબક્કે અમેરિકાનો વ્યવસાય આટોપીને વતનની સેવા માટે ભારત આવી ગયું. બોરસદમાં બહુઆયામી તબીબી સેવાર્થે ટ્રસ્ટ બનાવી શ્રદ્ધા હોસ્પિટલની સ્થાપના કરી, પોતે અને એમના પરિવારે એ માટે માતબર દાન કર્યું. આશરે વીસ વર્ષ સુધી એ હૉસ્પિટલના વિકાસ માટે નિરંતર વહિવટી અવરોધો વચ્ચે નિશ્ચલ રહીને મથતા રહ્યા. આ દરમિયાન કેટલાંક અસમાજિક તત્વોના અવરોધો, દુષ્પ્રચાર, અંગત આક્ષેપો અને અવમાનના અવિરત ધોધ વચ્ચે કામ કરવાની અગવડ વચ્ચેય અડગ રહી પોતાના ધ્યેયને આ માણસ વળગી રહ્યો. પરિણામે અન્ય દાનવીર એના કાર્યમાં જોતરાના ગયા જેના કારણે એ નામાંકિત હૉસ્પિટલ બની છે. આશરે વીસ એકવીસ વર્ષ એમણે નિઃશુલ્ક સર્જરી કરીને લોકસેવા કરી. વિદ્યાનગર થી બોરસદ પોતાની કાર પોતાનું જ પેટ્રોલ વાપરી સ્વયં ડ્રાઇવ કરીને સમયપૂર્વ પહોંચે અને મોડી સાંજ સુધી કામ કરે. નવા ડૉક્ટર્સને ટ્રેઈન કરે અને સૌને સાથે રાખી કામ કરે. અવારનવાર મેગા સર્જિકલ કેમ્પ યોજે. અમેરિકાના નિષ્ણાતોને તેડાવી એમનો લાભ દર્દીઓને આપે. એમના જીવનમાં

પચાસ હજાર કરતાં વધારે સર્જિકલ પ્રોસિજર એમના નામે છે. સામાન્યપણે લેપ્રોસ્કોપીક સર્જરી માટે ત્રણ કે ચાર પોડ્ઝ વપરાય છે, પણ આ ડૉક્ટર શક્ય હોય ત્યાં સુધી બે પોડ જ વાપરે, એમની એ આગવી ટેકનિક. લેપ્રોસ્કોપીક ટેકનોલોજીના શરૂઆતના તબક્કે ઇન્સ્ટ્રુમેન્ટમાં એમને કેટલીક ખામીઓ જણાઈ. ફ્રાન્સની ઉત્પાદક કંપનીને એમણે સુધારો સૂચવ્યો અને એનો સ્વીકાર પણ થયો. સર્જન સારો ટેક્નિશિયન હોય તો કેટલું આવકારદાયક હોય એ આ માણસે પૂરવાર કર્યું. ઝડપી અને ક્લિન સર્જરી એમનો મુદ્રાલેખ. એ માને કે પેશન્ટને ઓછામાં ઓછી તકલીફ પડે એ માટે સર્જને બનતા પ્રયત્ન કરવા જરૂરી છે. સારણ ગાંઠનું ઑપરેશન શક્ય હોય ત્યાં સુધી લોકલ એનેસ્થેસિયાથી કરવાનું એ પસંદ કરે. ઑપરેશન થિયેટરમાં સાથી નર્સને એનેટોમી સમજાવે, વચ્ચે વચ્ચે શાયરી પણ ગાય. જીવંત માહોલ વચ્ચે સહજ જ પ્રોસીજર કરતા રહે. 

   એકાદ વર્ષ પહેલાં એ ઑપરેશન કરતા હતા ત્યારે હાર્ટની તકલીફ થઈ એટલે સાથી સર્જનને બાકીનું કામ સોંપીને એમને બીજી હૉસ્પિટલમાં લઈ ગયા જ્યાં સ્ટેન્ટ ફીક્સ કરવામાં આવ્યો, અને એના બીજા જ દિવસે એમણે શ્રધા હૉસ્પિટલમાં મેજર ઓપરેશન કર્યું જે એમની વ્યવસાય પ્રત્યેની સભાનતા અને નિસ્બતનાં દર્શન કરાવે છે. પોતાના શરીરની તકલીફ કરતાં અન્યની તકલીફને પ્રાધાન્ય આપે ત્યારે જ માણસનું ખમીર મપાઈ જાય. કોઈ એમને પૂછે કે કેમ છો ડૉક્ટર તો જવાબ એક જ હોય “આપણને કશું ના થાય”.

   હજુ હમણાં ૩૦મી સપ્ટેમ્બરે સવારે એમને તાવ આવ્યો, હૉસ્પિટલ ગયા. શરીર તાવથી ધીકતુ હોવા છતાં ખૂબ જ જરૂરી એવું ઑપરેશન પતાવીને બ્લડ ટેસ્ટ કરાવ્યો, ડેન્ગ્યુ નિદાન થયો. ટ્રીટમેન્ટ ચાલી, પણ ૪થી ઓક્ટોબરે વહેલી સવારે કુદરતે એ મહામાનવને એમના પરિવાર અને અસંખ્ય ચાહકોને રુદન કરતા મૂકી આપણી પાસેથી છીનવી લીધો. એને દુનિયાએ નામ આપ્યું હતું પરેશ પટેલ. પરંતુ ભગવાને એને દેવદૂત બનાવી મોકલ્યો હતો જે એના ભાગ્યમાં લખેલ સૌ કાર્ય નિસ્વાર્થ પૂર્ણ નિષ્ઠાથી સંપૂર્ણ કરી દેવમાં સમાઈ ગયો.