ડીસામાં એલિવેટેડ બ્રીજ નીચેથી પસાર થતા રોડ પર ઠેર ઠેર ખાડા પડી જતા થિંગડા મારવામાં આવ્યા છે. જ્યારે બંને તરફના સર્વિસ રોડ સાવ બીસ્માર હાલતમાં છે. જેનાથી હેરાન વાહનચાલકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ અત્યાર સુધી કોઈ જ કાર્યવાહી ન થતા, હવે કોંગ્રેસ આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી લોકોના પ્રશ્ન બાબતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ડીસામાં ઓવરબ્રિજ બન્યા બાદ પણ લોકોની પરેશાનીઓ દૂર થઈ નથી. ડીસામાંથી પસાર થતા એલિવેટેડના નિર્માણ કાર્ય દરમિયાન નીચેથી પસાર થતા રોડ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા હતા. આ બ્રિજનું કામ પૂરું થયા બાદ પણ કોન્ટ્રાક્ટરે આ ખાડાઓ પૂર્યા ન હતા. તે મામલે વારંવાર રજૂઆત બાદ આ કોન્ટ્રાક્ટરે નીચેના ખાડા પૂરવા માટે થિંગડા માર્યા છે પરંતુ આ થિંગડાઓથી વાહનચાલકોની મુશ્કેલીઓ ઓર વધી ગઈ છે. થિંગડાઓ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે ઝટકા સહન કરવા પડી રહ્યા છે.
જ્યારે બ્રિજની બંને તરફના છેડે તેમ જ સર્વિસ રોડ પર પણ મોટા મોટા ગાબડા પડી જતા સર્વિસ રોડ ઉપર હાલતમાં છે. જેના પરથી પસાર થવું પણ વાહનચાલકો માટે મુશ્કેલ ભર્યું બન્યું છે. જેના માટે ડીસાના રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો અને વાહનચાલકોએ વારંવાર રજૂઆત કરી છે. તેમ છતાં પણ હજુ સુધી આ મામલે કોઈ જ કાર્યવાહી થઈ નથી. જેથી કોંગ્રેસ દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી બ્રિજ નીચે નવો રસ્તો નહીં બનાવાય તેમજ સર્વિસ રોડનું પણ સમારકામ નહીં થાય તો રસ્તા રોકી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસાના એલિવેટેડ બ્રિજ બન્યા બાદ નીચેના રસ્તા પર તેમજ સર્વિસ રોડ પર મોટા ખાડાઓ પડી જતા વારંવાર રજૂઆતો કરવા છતાં કામગીરી ન થતા ડીસાના જાણીતા ધારાશાસ્ત્રી સહિત 8 લોકોએ કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઇવે ઓથોરિટી સામે સી.આર.પી.સી. 133 મુજબની ફરિયાદ દાખલ કરેલી છે.