ડીસા-પાટણ રોડ પર આજે જુનાડીસા પાસે રીક્ષા વીજ થાંભલે ટકરાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રીક્ષામાં બેઠેલા મહિલાઓ સહિત પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પાટણમાં રહેતો જાદવ પરિવાર આજે તેમના સંબંધીને મળવા માટે રીક્ષા લઈને ડીસા ખાતે આવ્યા હતા અને તેઓ પરત પાટણ તરફ જઈ રહ્યા હતા. જે રીક્ષા જુનાડીસા પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક રીક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા રીક્ષા રોડની સાઈડમાં આવેલા 11 કેવી વીજ થાંભલા સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા ભૂપતસિંહ રાજપુત( ઉમર 55 ), જીયાબેન જાદવ(ઉમર 16 વર્ષ), જ્યોત્સનાબેન જાદવ (ઉમર 35), ઠાકોર બાસ્કોજી( ઉમર 39) અને જૈનીત જાદવ સહિત પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
આ ઘટનાને પગલે આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. આ બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ અકસ્માત સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતા જ ઇજાગ્રસ્ત જાદવ પરિવારના સગાવ્હાલાઓના ટોળેટોળા હોસ્પિટલમાં ઉમટ્યા હતા.