ચોટીલા - અમદાવાદ હાઈવે પર આવેલી જોલી હોટલથી થોડે દૂર ઝાડી ઝાંખરામાંથી મળી આવેલી લાશનો ભેદ ચોટીલા પોલીસે ઉકેલી નાખ્યો છે. આ કેસમાં પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાંથી એક શખ્સ બિહારનો વતની છે, જ્યારે બીજો શખ્સ પંજાબનો વતની છે. બે અલગ અલગ રાજ્યના શખ્સોને ઝડપી લઈને ચોટીલા પોલીસે પ્રશંસનીય કાર્યવાહી કરી છે.આ કેસમાં ઝડપાયેલા બંને શખ્સોના નામ સુરજકુમાર નેકરાજ અને અભિષેક શર્માલ છે. સુરજકુમાર બિહારનો જ્યારે અભિષેક પંજાબનો વતની છે. જે બંનેએ લોખંડના સળિયા ભરેલી ટ્રકની લૂંટ કરવાના ઈરાદે રામ અયોધ્યા ગનપત નામના ડ્રાઈવરની હત્યા કરી નાખી હતી. અને ત્યાર બાદ તેની લાશને ઝાડી ઝાંખરામાં ફેંકી દઈને લોખંડના સળિયા વેચવા કોશિશ કરી હતી.જોકે એ સળિયા લેવા કોઈ તૈયાર ન થતાં ટ્રક જેમની તેમ મૂકીને બંને ઈસમો પોત પોતાના વતન ફરાર થઈ ગયા હતા. પહેલાં તો પોલીસે મૃતકની ઓળખ કરી અને ત્યાર બાદ જુદી જુદી દિશામાં તપાસ કરતા હત્યાના તાર બિહાર સુધી પહોંચ્યા હતા.જ્યાં જઈને સુરેન્દ્રનગર એલસીબીની ટીમે સુરજકુમારને દબોચી લીધો હતો.અને સુરજકુમારે પંજાબના અભિષેકનું નામ આપતા ચોટીલા તેમજ ધજાળા પોલીસની ટીમે પંજાબના ગુરદાસપુર જઈને અભિષેકને પણ ઝડપી લીધો. બન્ને શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને ચોટીલા પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની આ કાર્યવાહીમાં ચોટીલા પી.આઈ.-જે.જે.જાડેજા, પીએસઆઇ એ.એસ.બારીયા તથા એમ.બી.જાડેજા, વિજયસિંહ સોલંકી, કેહાભાઈ મકવાણા, વલ્લભભાઈ ખટાણા, સરદારસિંહ બારડ, ભરતભાઈ તરગટા, ભરતભાઈ મીર, સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ત્રિવેદી, પીએસઆઇ જી.એસ.સ્વામી, મનસુખભાઇ રાજપરા, ભુપેન્દ્રકુમાર ગોલેતર, સુરેન્દ્રનગર એસ.ઓ.જીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.જાડેજા, રવિભાઈ ભરવાડ, અનિરુદ્ધસિંહ ઝાલા, ધજાળા પોલીસ મથકના પીએસઆઇ એમ.કે.ઇસરાની, રણછોડભાઈ ભરવાડ, વાજસુરભા ગઢવી અને શેખાભાઈ રોજીયા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.