ડીસામાં સંત અન્ના હાઇસ્કુલ પાસે મોડી રાત્રે એક્ટિવા સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં એકટીવા ચાલકને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.

ડીસામાં રહેતા નારણભાઈ ઠક્કર મોડી રાત્રે એકટીવા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તેઓ સંત અન્ના હાઈસ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે જંપ આવતા અચાનક તેમણે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા એકટીવા સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નારણભાઈ રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજા પહોંચતી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ રાહત કામગીરી શરૂ કરી હતી.

અકસ્માત થયો હોવાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત એકટીવા ચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માત અંગેની માહિતી મળતા જ નારણભાઈ ઠક્કરના પરિવારજનો પણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.