સાયલા તાલુકાના કાનપુર ગામે ભૂસ્તરશાસ્ત્રી વિભાગની કચેરીની તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરી દરોડો પાડી એક એકસકેવેટર મશીન, એક લોડર મશીન, બે ડમ્પર અને એક વોશ પ્લાન્ટ દ્વારા સિલિકા સેન્ડ/ સાદી રેતી ખનિજનું કોઈપણ આધાર પુરાવા વગર ગેરકાયદેસર ખનન કરીને વોશ કરી વેચાણ કરાતું ચાલુ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યું હતું.જે તમામ મશીનરીઓ સીઝ કરી બહુમાળી ભવન, સુરેન્દ્રનગર ખાતે કસ્ટડી સોંપી હતી.સુરેન્દ્રનગરના સાયલા વિસ્તારમાં ખનીજ માફિયા બેફામ બન્યા છે. સરપંચ ખુદ ખનીજ ચોરી કરાવી રહ્યા હોવાનું ખુલવા પામ્યું છે. જિલ્લા કલેકટરની સૂચના મુજબ ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ફરીયાદ અન્વયે દરોડા કરી કુલ રૂ.50 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ સિલિકા સેન્ડ/ સાદી રેતી ખનિજનું ગેરકાયદેસર ખનન/વહન લાલજીભાઈ ભીખાભાઈ મુંધવા અને સુરેશભાઈ કમાભાઈ મોરી દ્વારા કરવામાં આવતું હોવાનું ફલિત થયુ હતું. ભૂસ્તરશાસ્ત્રી વિભાગની કચેરીની તપાસ ટીમ દ્વારા કુલ રૂ.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.