ભાગ્યોદય તથા ચામુંડા સોસાયટીના રહીશો દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ માટે નગરપાલિકા અને સ્વાગતમાં લેખિત અરજી સાથે રજૂઆત
તારીખ ૨૫/૯/૨૦૨૩
મૂળભૂત માનવ અધિકારો તેમજ સુવિધાઓથી વંચિત ભાગ્યોદય સોસાયટી તથા ચામુંડા સોસાયટીના પડતર પ્રશ્નોના નિકાલ માટે નગરપાલિકા અને તાલુકા સ્વાગતમાં સ્થાનિક સોસાયટી રહિશો દ્વારા તાત્કાલીક અસરથી તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા લેખિત અરજી સાથે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.
આજરોજ કાલોલ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ચાર માં આવેલ ભાગ્યોદય સોસાયટી તથા ચામુંડા સોસાયટી ના રહીશો વર્ષોથી નગરપાલિકાનો વેરો નિયમિત ભરતા હોવા છતાં તેમનો વિસ્તાર દલિત અને પછાત વસ્તી ધરાવતો હોવાથી અનેક સુવિધાઓથી વંચિત છે.જેને લઈને અત્યંત ત્રસ્ત થઈને ત્યાંના ૧૦૦ જેટલા રહીશો એ કાલોલ નગરપાલિકા તેમજ કાલોલ મામલતદાર ઓફિસની કચેરીમાં તાલુકા સ્વાગત માં લેખિત અરજી સાથે રજૂઆત કરી હતી જેમાં નીચેના પ્રશ્નોના તાત્કાલિક નિકાલ માટે વિનંતી કરી હતી જેમાં પીવાના પાણી અનિયમિત તેમજ ખુબ ગંદુ આવતુ હોય વરસાદી પાણી ના યોગ્ય નિકાલ,સ્ટ્રીટ લાઈટો હંમેશા બંધ હાલતમા,કચરો ઉઠાવવા માટે ટ્રેકટર ની ફેરી ના લાગતી હોવાથી ગંદકી થવાનો ભય,ભાગ્યોદય સોસાયટી થી સરકારી દવાખાના તરફ નો જાહેર રસ્તો ખુલ્લો મૂકવા,જુનો રોડ ખુબ જ નીચી ગુણવતા નો હોવાથી નવો રોડ બનાવવા,રખડતા ઢોર નો ત્રાસ હોવાથી અન્ય જગ્યા એ ખસેડવા બાબતે ઉપરોક્ત વિગેરે પ્રશ્નોના નિકાલ માટે તાત્કાલિક નિરાકરણ લાવવા માટે નગરપાલિકા અને તાલુકા સ્વાગતમાં તમામ સ્થાનિક રહીશોએ ભેગા થઈને લેખિત અરજી આપી ધારદાર રજૂઆત કરી હતી.