ડીસા બનાસ નદીના પુલ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપી લઇ કાર સહિત રૂપિયા 5.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ પોલીસે એક શખસની અટકાયત કરી દારૂની હેરાફેરીનું રેકેટ ચલાવનાર, દારૂ મંગાવનાર, ભરાવનાર, પાયલોટિંગ કરનાર સહિત 6 શખ્સ સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધી તેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે..
રાજસ્થાન માંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં બનાસકાંઠાના માર્ગોથી વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, ધાનેરા તરફથી વિદેશી દારૂ ભરીને સ્વીફ્ટ કાર ડીસા પાસેથી પસાર થવાની છે, જેથી પોલીસની ટીમે ડીસા બનાસ નદીના પુલ પાસે વોચ ગોઠવતા બાતમી મુજબની સ્વીફ્ટ કાર આવતા પોલીસે અટકાવી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની 2.5 લાખની કિંમતની અલગ અલગ બ્રાન્ડની 1860 બોટલ મળી આવી હતી, જેથી પોલીસે કારચાલક સુરેશ હરચંદભાઈ પરમાર રહે.જડિયા, તા. ધાનેરા, જિ. બનાસકાંઠા ની અટકાયત કરી દારૂ, મોબાઈલ તેમજ કાર સહિત રૂપિયા 5.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો..
ઝડપાયેલા શખસની પૂછપરછ કરતા અન્ય પાંચ શખ્સો સામે પણ ગુનો નોંધ્યો હતો. જેમાં દારૂની લાઈન ચલાવનાર મુખ્ય આરોપી બદલસિંગ ઉર્ફે બાદલસિંહ ઉર્ફે કેતનસિંહ રામસિંહ વાઘેલા રહે. રામનગર, તા દાંતીવાડા , દારૂ મોકલનાર અને પાઇલોટીંગ કરનાર જીતુસિંહ રાજપુત રહે. મૈત્રીવાડા, રાજસ્થાન, જીતુસિંહની પાઇલોટિંગ કાર ચલાવનાર કમો રહે. મૈત્રીવાડા, રાજસ્થાન તેમજ દારૂ મંગાવનાર અંકુર ઉર્ફે અંકિત દિલીપભાઈ મોદી રહે. ડીસા, ની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે..