ડીસા તાલુકામાં સતત ચાર દિવસ સુધી પડેલા વરસાદને કારણે અનેક જગ્યાએ બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. નુકસાનીના પગલે હવે તંત્રએ તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત ખેતરોમાં જઈ સર્વેની કામગીરી હાથ ધરી છે.
ડીસા તાલુકામાં સતત ચાર દિવસ સુધી ભારે વરસાદ થયો હતો અને આઠ ઇંચ જેટલો વરસાદ થતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સતત વરસેલા વરસાદના કારણે તાલુકામાં અનેક જગ્યાએ ખેતી પાકને પણ નુકસાન થયું છે. જેમાં ખાસ કરીને ડીસા તાલુકાના બાઈવાડા, થેરવાડા તાલેપુરા, પમરુ સહિત 10 જેટલા ગામડાઓમાં બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે.
ખેડૂતોએ બે મહિના સુધી સતત મહેનત કરી બાજરીનો પાક તૈયાર કરી લણીને ખેતરમાં રાખ્યો હતો, પરંતુ અચાનક વરસાદ થઈ જતા તમામ પાક ધોવાઈ જતા ખેડૂતોને ફરી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવે થેરવાડા ગામે થયેલા નુકસાનની તપાસ માટે તંત્રએ સર્વેની કામગીરી હાથ ધરી છે. ગામના સરપંચ, ગ્રામસેવક, તલાટી સહિતની ટીમે નુકસાનગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ સર્વે હાથ ધર્યો છે. સર્વે કર્યા બાદ તેનો રિપોર્ટ સરકારમાં મોકલી આપશે અને ત્યારબાદ નુકસાન અંગે સરકાર વળતર ચૂકવી શકે છે.
આ અંગે થેરવાડા ગામના અસરગ્રસ્ત ખેડૂત ડાયાભાઈ પટેલે જણાવ્યું હતું કે, સતત ચાર દિવસ સુધી વરસાદ પડતા તેમના ખેતરમાં રહેલા બાજરીના પાકમાં મોટું નુકસાન થયું છે. હવે વરસાદ રહ્યા બાદ ગામના સરપંચ, ગ્રામસેવક, તલાટી અને ડેપ્યુટી સરપંચ સર્વે માટે આવ્યા છે. તેમણે ખેતરની મુલાકાત લીધી છે ત્યારે સરકાર જલ્દી સહાય ચૂકવે તેવી માંગ કરી હતી.