બનાસકાંઠામાં ગણપતિ મહોત્સવની ઉત્સાહભેર શરૂઆત થઈ ગઈ છે અને ડીસાની જયશ્રી પાર્ક સોસાયટીમાં પ્રથમ દિવસથી જ ભક્તોએ ગરબે ઘૂમી વિઘ્નહર્તાના તહેવારની શરૂઆત સાથે આરાધના કરી હતી.

ડીસા-પાટણ હાઇવે પર આવેલ જયશ્રી પાર્ક સોસાયટીના રહીશોએ ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું છે અને આ વર્ષે પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. પાંચ વર્ષથી આ સોસાયટીના રહીશો ગણપતિ મહોત્સવ ઉજવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ લાવી કોમનપ્લોટમાં બિરાજમાન કરી છે. આ સોસાયટી આમ તો નવી જ બની છે અને પાંચ વર્ષ અગાઉ આ સોસાયટીમાં રહેવા માટે આવેલા અલગ અલગ જ્ઞાતિના 50 જેટલા પરિવારોએ ભેગા થઈ ગણપતિ મહોત્સવ ઉજવણીની શરૂઆત કરી હતી. ત્યારબાદ આ સોસાયટીમાં ભાઈચારો અને એકતા વધી છે અને હવે ધીરે ધીરે તમામ ધાર્મિક મહોત્સવ સોસાયટીમાં થાય છે.

આ અંગે જય અંબે સોસાયટીના રહીશ અને આયોજક લક્ષ્મણભાઈ બારોટે જણાવ્યું હતું કે, તેમની સોસાયટીમાં પાંચ વર્ષથી ગણપતિ મહોત્સવની ઉજવણી થાય છે. આ વર્ષે પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. શરૂઆતમાં સોસાયટીમાં 40થી 50 જેટલા અલગ અલગ જ્ઞાતિના પરિવારો રહેવા આવ્યા ત્યારે અમે સોસાયટીમાં ભાઈચારો અને એકતા વધે તે હેતુથી ગણપતિ દાદાની મૂર્તિ લાવી સ્થાપના કરી ગણપતિ મહોત્સવ ઉજવવાની શરૂઆત કરી હતી. આજે અમારી સોસાયટીમાં 70થી વધુ પરિવારો હળીમળીને સંપીને રહીએ છીએ અને આ તહેવારથી અમારી સોસાયટીમાં ખૂબ જ ભાઈચારો અને એકતા વધી છે. જેથી હવે ધીરે ધીરે અન્ય ધાર્મિક તહેવારો અને પ્રસંગો પણ સાથે મળીને ઉજવતા થયા છીએ.