ડીસામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજ સવાર સુધી સાડા ચાર ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતો ખુશ તો થયા છે, પરંતુ સતત વરસાદના કારણે કેટલીક જગ્યાએ નુકસાન પણ સહન કરવાનો વારો આવ્યો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે ત્રણ દિવસથી ડીસા પંથકમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે સવારે છ વાગ્યા સુધીમાં ડીસા પંથકમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. દિવસ અને રાત સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ખેતી પાકને પણ વ્યાપક નુકસાન થયું છે.
ડીસામાં આજે સવાર સુધી કુલ 110 મિલિમિટર વરસાદ વરસ્યો હતો. જ્યારે ચોમાસાની સિઝનનો કુલ વરસાદ 798 મિલિમિટર નોંધાયો છે. આ વર્ષે સિઝનનો કુલ 96.89 ટકા વરસાદ થઈ જતા અને હજુ પણ ધીમીધારે વરસાદી માહોલ ચાલુ રહેતા એવરેજ ખેતી પાક માટે ફાયદો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ વરસાદ ચાલુ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે.