ડીસાની બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં સેવક તરીકે નોકરી કરતા યુવકે સંબંધીને પાક ધિરાણની રકમ ભરવાની હોવાથી તેને અન્ય સંબંધીઓ પાસેથી રકમ એકત્ર કરી બેન્કમાં ભરી હતી અને આ રકમ શનિવારે બેંકમાંથી ઉપાડી 6.25 લાખ ભરેલી થેલી બેંકના ટેબલ ઉપર મૂકી હતી. તે દરમિયાન અજાણ્યા બે કોઈ ગઠિયા બેંકમાં આવી આ યુવકની નજર ચૂકવીને રૂપિયા ભરેલી થેલી લઈ ફરાર થઈ ગયા હતા. આ બંને ગઠિયાઓ સીસીટીવીમાં કેદ થયા છે. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે.
ડીસા તાલુકાના બુરાલ ગામે રહેતા અને બેંક ઓફ ઇન્ડિયાની ડીસા શાખામાં સેવક તરીકે નોકરી કરતા ચતરાભાઈ વાહતાભાઈ ચૌધરીએ તેમના કુટુંબીક ફોઈના દીકરા પુરાભાઈ નારણભાઈ પટેલ (રહે.પેેછડાલ) ને ડીસાની બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં પાક ધિરાણના નાણાં ભરવાના હોવાથી ચતરાભાઈએ અન્ય સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લાવી બેંકમાં પાક ધિરાણની રકમ જમા કરાવી હતી અને શનિવારે આ રકમ ઉપાડવાની હોવાથી તેમને બેંકમાંથી ઉપાડી એક થેલીમાં કુલ 6.25 લાખ ભરીને આ થેલી બેંકના ટેબલ ઉપર મૂકી હતી અને તેઓ બાદમાં કામકાજમાં લાગી ગયા હતા.
બાદમાં તેમણે ટેબલ ઉપર નજર કરતા થેલી ગાયબ હતી. જેથી તેઓએ થેલીની ભારે શોધખોળ કરવા છતાં પણ કોઇ ભાળ ન મળતા તેમણે બેંકના સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં 30 થી 35 વર્ષના બે યુવકો આ થેલી લઈ જતા કેમેરામાં દેખાયા હતા. જેથી તેમણે આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરતા ઉત્તર પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.પોલીસે હાલમાં આ મામલે ચતરાભાઈ ચૌધરીની ફરિયાદ લઈ અજાણ્યા બે ગઠિયાઓ સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.