ખંભાત તાલુકાના ઉંદેલ ગામે રહેતા અને બિલ્ડીંગ કન્ટ્રક્શન નો માલ સામાન વેચવાનો ધંધો કરતા બે પાર્ટનરોને સાયબર ક્રિમિનલ ઓએ અલ્ટ્રાટેક સિમેન્ટની એજન્સી આપવાના બહાને રૂપિયા 13.55 લાખનો ચૂનો ચોપડતા આ અંગે આણંદ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી મોબાઈલ નંબર ના આધારે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મિતેશભાઇ મફતભાઈ પટેલ ગામના સરપંચ નવીનભાઈ ડાહ્યાભાઈ સોલંકી સાથે ખોડીયાર ચોકડી ઉપર આશાપુરી ટ્રેડર્સના નામે બિલ્ડીંગ મટીરીયલ વેચવાનો ધંધો કરે છે.જુલાઈ મહિનામાં બ્લોકનું કામકાજ કરતા મિત્ર ચિરાગભાઈને સિમેન્ટની એજન્સી લેવાની હોય કોઈ એજન્સીનો કોન્ટેક્ટ કરાવી આપવાનું જણાવ્યું હતું.જેથી ચિરાગે ગુગલ પર સર્ચ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના રાજેશ શર્માનો મોબાઇલ નંબર મેળવીને આપ્યો હતો. જેથી તે નંબર ઉપર સંપર્ક કરતા આણંદ જિલ્લાના મેનેજર તરીકે રોહિત અગ્રવાલ છે તેમનો મોબાઈલ નંબર આપીને સંપર્ક કરવા જણાવ્યું હતું. જેથી પાર્ટનર નવીનભાઈએ રોહિતભાઈનો સંપર્ક કરીને અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીની એજન્સી લેવાના જરૂરી દસ્તાવેજો મોકલી આપ્યા હતા. ત્યારબાદ રોહિત અગ્રવાલ એ ડિપોઝિટ પેટે 1.25 લાખ ભરવા પડશે તેમ જણાવતા તેમણે આરટીજીએસ મારફતે કેનેરા બેન્કના આપેલા એકાઉન્ટમાં મોકલી આપ્યા હતા. રોહિતે કુલ 2 હજાર બેગના એડવાન્સ રૂપિયા ભરશો તો જ એજન્સી કોડ ખુલશે તેમ જણાવીને તેમજ અલગ અલગ બહાને કુલ ૧૩.૫૫ લાખ રૂપિયા ઓનલાઇન મેળવી લીધા હતા.અને સિમેન્ટની એજન્સી આપી ન હતી. રોહિત અગ્રવાલ દ્વારા વધુને વધુ નાણાની માંગણી કરવામાં આવતા તેઓને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. જેથી તુરંત જ સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને પોતાની ફરિયાદ લખાવી દીધી હતી ત્યારબાદ આજે આણંદના સાઇબર ક્રાઇમ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. આણંદ સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદીની ફરિયાદ નોંધી સાઇબર ક્રિમિનલને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(સલમાન પઠાણ-ખંભાત)